રાજકોટમાં મકાઈના લોટમાંથી બને છે ફરાળી પેટીસ, 33 કિલોનો નાશ
રાજકોટ,તા.24 ઓગસ્ટ 2021,મંગળવાર
ઉપવાસ અને એકટાણાં રહેવાથી ભગવાન પ્રસન્ન થશે તેવી શ્રદ્ધા સાથે લોકો ઉપવાસ કરી તે દિવસે અનાજને હાથ પણ જો સ્પર્શ થયો હોય તો તે હાથ-પગ ધોઈને ફરાળી વસ્તુઓ ગ્રહણ કરતા હોય છે પરંતુ રાજકોટમાં નફાખોર વેપારીઓ દ્વારા ફરાળના નામે રૂટિનમાં ખવાતી લોટ સહિતની વસ્તુ ધાબડી દેવાય છે.
આ અન્વયે આજે ફરી મહાપાલિકા દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવતા હનુમાન મઢી પાસે મુરલીધર ફરસાણ સહિત દુકાનમાં ફરાળી પેટીસ તરીકે વેચાતી પરંતુ મકાઈના લોટમાંથી બનેલી 33 કિલો પેટીસનો નાશ કરવામાં આવ્યો હતો આ પહેલા શહેરમાં તપકીરમાંથી બનેલી ફરાળી પેટીસ પકડાઈ હતી. વસ્તુઓ ઉપરાંત હવે બજારમાં વેચાતા ફરસાણમાં સીંગતેલ તો દૂર પરંતુ કપાસિયા તેલ પણ મોંઘું થયું હોય પામોલીન તેલ અથવા તો દાઝી ગયેલું અને આરોગ્ય માટે જોખમી તેલ વપરાય છે આવું તેલ પણ પાલિકાને કબજે કરેલું છે.