સૌરાષ્ટ્રમાં કૂવા 1700 ફૂટ ઊંડે સુધી ખોદી મેળવાય છે પાણી
- ખેતી માટે અત્યંત નુકસાનકારક
- 500 ફૂટ કરતા વધુ ઊંડેથી મેળવેલા પાણીથી સિંચાઈ કરાતા જમીનમાં ક્ષાર એટલો વધી જાય છે કે તે ખેતીલાયક રહેતી નથી
રાજકોટ,તા. 16 મે 2019, ગુરૂવાર
સૌરાષ્ટ્રમાં ભૂગર્ભ જળ ઊંડા જતા રહેતા ખેડૂતોને પાણીના ફાંફાં પડી ગયા છે. એવામાં કેટલાક પહોંચતા-પામતા ખેડૂતોએ કૂવા ૧૭૦૦ ફૂટ ઊંડે સુધી ખોદાવી પાણી મેળવવાનું શરૂ કર્યું છે. કૂવામાં આટલે ઊંડેથી પાણી મેળવવું ખેતી માટે અત્યંત નુકસાનકારક છે. સરકારે યોગ્ય પગલાં લઈ સૌરાષ્ટ્રના ખેડૂતોને પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવી જોઈએ. તથા ભૂગર્ભ જળના વપરાશ અંગે પણ નિયમાવલી જાહેર કરવી જોઈએ.
મોરબીના ખાનપુર ગામડાંમાં એક ખેડૂતે ૧૭૧૦ ફૂંટ ઊંડો કૂવો ખોદાવ્યો ત્યારે તેમને પાણી મળ્યું હતું. તેઓ દાડમનો પાક લઈ રહ્યા છે. તેઓ દાડમનો પાક લઈ રહ્યા છે. પાણીની કારમી અછતને લીધે કપાસની ખેતી સંભવ રહી ન હોવાથી તેઓ બાગાયતી ખેતી તરફ વળ્યા છે.
મોરબી બાજુની જમીન ખારો કહેવાય છે. તે ઓલરેડી ક્ષારવાળી હોય છે. નિષ્ણાતોનું કહેવું છે કે કૂવામાં ૪૦૦થી ૫૦૦ ફૂટ સુધીનું ઊંડું પાણી જ કૃષિ યોગ્ય હોય છે. એનાથી વધુ ઊંડે જાવ એમ ક્ષાર વધતો જાય. એમાંય ૧૫૦૦-૧૬૦૦ ફૂટ ઊંડે જે પાણી હોય તે મેગ્મા યુક્ત હોય છે. તે પીવા કે વાપરવા કોઈ ખપનું હોતું નથી. આવું પાણી ખેતીમાં વાપરવું જોખમી છે. આવા પાણીથી પકવેલો પાક કેવો હોય એ તો પછીની વાત છે, પરંતુ આવું પાણી બે-ત્રણ વર્ષમાં જમીન ખતમ કરી નાખે છે.
સૌરાષ્ટ્રમાં ભૂગર્ભ જળ દર વર્ષે ઊંડા જતા જાય છે. જે ખેડૂતો પહોંચતા-પામતા નથી, જેમના કૂવા ડૂકી ગયા છે તેઓ ઉનાળામાં બેસી રહે છે, પણ જેઓ પૈસે ટકે સુખી છે તેઓ પૈસા કમાવાની લ્હાયમાં કૂવા વધુ ઊંડા ઉતરાવે છે. ૧૫૦૦-૧૭૦૦ ફૂટ ઊંડે સુધી કૂવો ખોદવામાં રૂા.૭,૦૦,૦૦૦નો ખર્ચ થાય છે જે તેઓ બેધડક કરે છે.
આપણે ત્યાં ભૂગર્ભ જળ ખેંચવા વિશે કોઈ નિયમન નથી. સરકારે આ બાબતે સજાગ થઈને કૂવામાં કેટલી ઊંડાઈ પછીનું પાણી ન વાપરવું, કેવી ગુણવત્તાનું પાણી ન વાપરવું તે વિશે નીતિ-નિયમો ઘડવાની જરૂર છે અને જાગરુકતા ફેલાવવાની આવશ્યકતા છે. કેમ કે નિષ્ણાતોના મત પ્રમાણે હાનિકારક એવા મેગ્મેટિક વોટરમાંથી પકવેલો પાક સામાન્ય લોકોના પેટમાં જવાનો છે તો આ મુદ્દો જાહેર આરોગ્ય સાથે જોડાયેલો છે.
બીજું, પાણી ન હોવાથી ખેડૂતો લાચાર બન્યા હોવાથી તેમનો પ્રશ્ન વાજબી છે. સરકારે દરેક ખેડૂતને ઉનાળામાં સિંચાઈનું પાણી મળે તે સુનિશ્ચિત કરવું જોઈએ. ૨૦૨૨ સુધી મોટી ચૂંટણી આવવાની નથી તો ત્યાં સુધી સરકાર જાહેર આરોગ્ય અને કૃષિ સમસ્યા માટે નિરસ બની જાય તે બિલકુલ વાજબી નથી.