નમક-ગોળમાં પણ મિલાવટ ! રાજકોટમાં છ નમુના નાપાસ
- ખાદ્યતેલમાં ભેળસેળ ચકાસવા છેક હવે લેવાયા નમુના
- વેચાતા નમકમાં આયોડીન વધુ તો કોલ્હાપૂરી, આરએમ ગોળમાં સલ્ફાઈટ વધુ
રાજકોટ, તા. ૧૫ જુલાઈ, ૨૦૨૦, બુધવાર
જેના વગર કોઈ રસોઈ બનતી નથી તેવા નમક (મીઠુ) અને ગોળ પણ રાજકોટમાં ઉતરતી ગુણવત્તાના હોવાનો લેબોરેટરી રિપોર્ટ આજે મહાપાલિકાએ જાહેર કર્યો છે. શહેરમાં ગોળ, નમકના લેવાયેલા છ નમુના નાપાસ થયા હતા જેમાં ગોળમાં સલ્ફાઈટનું અને નમકમાં આયોડીનનું પ્રમાણ વધારે પ્રમાણમાં હોવાથી સબ સ્ટાન્ડર્ડ જાહેર કરાયા હતા. તો લાંબા સમય બાદ મનપાએ હવે ઉંચા ભાવે વેચાતા ખાદ્યતેલના નમુના લીધા હતા.
રાજકોટ મનપાના સૂત્રો અનુસાર (૧) અંકુર સંપૂર્ણ નમકનો નમુનો સદ્ગુરુ સોલ્ટ, દાણાપીઠમાંથી (૨) પ્રાઈમ રિફાઈન્ડ આયોડાઈઝ સોલ્ટનો નમુનો તાજ સોલ્ટ સપ્લાય, સંતકબીર રોડ પરથી અને 'દાંડી ' રિફાઈન્ડ ફ્રી ફ્લો આયોડાઈઝ સોલ્ટનો નમુનો જી.ટી.સોલ્ટ સપ્લાય, જયનાથ પંપ પાસે, ભાવનગર રોડ પરથી લેવાયા હતા આ ત્રણેય નમુનામાં આયોડિન નિયત કરતા વધુ માત્રામાં મળતા તે ઉતરતી ગુણવત્તાનો ઠર્યો છે. જ્યારે (૪) રાજભોગ નેચરલ જાગરી (ગોળ)નો મે.પટેલ હંસરાજભાઈ ડાયાભાી, ૧-ગુંદાવાડીમાંથી નમુનો લેવાયો તેમાં એફએસએસએઆઈનો લોગો નહીં હોવાથી મિસ બ્રાન્ડેડ ઠર્યો છે. જ્યારે (૫) લૂઝ કોલ્હાપૂરી ગોળનો બાંટવીયા બ્રધર્સ, ૨૦-ન્યુ જાગનાથ પ્લોટમાંથી અને (૬) આર એમ પારસમણી ગોળનો નમુનો જિગ્નેશ ટ્રેડર્સ, કોઠારીયા રોડ પરથી નમુનો લેવાયો હતો જે કોલ્હાપૂરી અને પારસમણી બન્ને ગોળમાં સલ્ફાઈટની માત્રા વધુ હોવાથી તે હલકી ગુણવત્તાનો હોવાનું ઠર્યું છે.
સિંગતેલના ભાવ અસહ્ય ઉંચા કરી દેવાયા છે અને તેના પગલે ભેળસેળની ફરિયાદો પણ ઉઠી રહી છે ત્યારે રહી રહીને જાગેલા મનપાના ફૂડ ખાતાએ શહેરના વિવિધ સાત સ્થળોએથી ખાદ્યતેલના નમુના લઈને ભેળસેળ ચકાસવા લેબોરેટરીમાં મોકલ્યા છે.
જ્યારે રાજકોટમાં એકના એક તેલમાં વારંવાર તળાયેલું ફરસાણ આરોગ્ય માટે ખૂબ જોખમી છે તેવું મનપાએ વારંવાર જાહેર કર્યા છતાં નફાની અને હરીફાઈની લ્હાયમાં આવા તેલમાં ફરસાણ તળીને વેચાતું હોય છે. તેલ આવું વારંવાર વપરાતું, દાઝ્યું તેલ છે કે કેમ તે ટી.પી.સી. વેલ્યુ પરથી તુરંત નક્કી થતું હોય છે. મનપાએ શહેરના કાલાવડ રોડ, ટાગોરરોડ, ગોંડલરો, મવડી ચોક, કનકરોડ, વગેરે વિસ્તારમાં પરસાણના ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ કીરને ૭ કિલો દાઝ્યુ તેલનો નાશ કરી નોટિસ આપ્યાનું જણાવ્યું છે પરંતુ, મનપાએ કઈ દુકાનોએ આ કામગીરી કરી તે વિગતો લોકોથી છુપાવી છે.
સૌરાષ્ટ્રમાં કોરોના મહામારી ઉપરાંત અન્ય રોગચાળાનો ખતરો પણ હવે ચોમાસાના પગલે સર્જાયો છે ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ફૂડ વિભાગના ઉપરછલ્લા અને ક્વચિત ચેકીંગને બદલે સઘન ચેકીંગની જરૂર છે.