રાજકોટમાં ઈથીલીનથી પકવતા કેળા, જન સ્વાસ્થ્ય સાથે વેપારીઓના ચેડાનો મનપાના ચેકિંગમાં પર્દાફાશ
રાજકોટ, તા. 23 જુલાઈ 2020 ગુરૂવાર
કેરી અને કેળા અમૃત ફળ ગણાય છે અને સ્વાસ્થ્ય માટે તેના અનેકવિધ ફાયદાઓ છે પરંતુ કુદરતના આ વરદાન સમાન કેળા કે જેનો હાલ ભગવાનને પ્રસાદી તરીકે ધરવામાં તથા ફળાહાર તરીકે વ્યાપક ઉપયોગ થતો હોય છે. તેને નફાખોર વેપારીઓ ઈથીલીન નામના ઝેરી વાયુથી પકવીને અત્યંત ઝેરી બનાવી રહ્યાં કારસ્તાન આજે વધુ એક વાર રાજકોટમાં ખુલ્લું પડ્યું છે.
મહાપાલિકાની ફુડ વિભાગ દ્વારા વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરાતા છ સ્થળોએ ઈથીલીન નામના ઝેરી કેમિકલથી કેળા પકવાનો કારસ્તાન બહાર આવ્યું હતું. મહાપાલિકાએ ત્રણ લિટર ઈથીલીન જપ્ત કર્યો છે.
લોકોને આવા કૃત્રિમ રીતે પકાવેલા કેળા મોઢામાં અસરથી માંડી કેન્સર સહિત રોગનું કારણ બની શકતા હોય તે નહીં ખાવા અપીલ કરી છે. બીજી તરફ મહાપાલિકાએ જન આરોગ્ય સાથે ચેડા કરતા આમાં વેપારીઓ સામે કડક પગલા લેવાની લોક માંગ છે.
આ સાથે મહાપાલિકાએ હાલ શ્રાવણ માસમાં લોકો એકટાણાં ઉપવાસ કરતા હોય અને તે માટે તૈયાર ફરાળી વસ્તુ બજારમાંથી ખરીદતા હોય આવી વસ્તુ વેચતા વેપારીઓને ત્યાં પણ ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં દાઝ્યા તેલમાં આરોગ્યને નુકસાન કરતા થાય તેવી રીતે બનાવવામાં આવેલી ફરાળી વાનગી મળી આવી હતી.