Get The App

અખબાર, એજન્ટ અને વાચકના સબંધ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ જેવા: શ્રેયાંસ શાહ

- ભગવાન શિવજીના આશીર્વાદ સાથે 'ગુજરાત સમાચાર' ભાવનગર આવૃત્તિનો 22મા વર્ષમાં પ્રવેશ

Updated: Aug 19th, 2019

GS TEAM


Google News
Google News
અખબાર, એજન્ટ અને વાચકના સબંધ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ જેવા: શ્રેયાંસ શાહ 1 - image

ભાવનગર, તા. 19 ઓગસ્ટ 2019, સોમવાર

અખબાર, એજન્ટ અને વાચક વચ્ચેનો સબંધ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જેવો છે. તેમ જણાવી શ્રેયાંસભાઈ શાહે ગુજરાત સમાચાર માટે વાચક અને એજન્ટની સર્વપરિતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, જીવન જીવવા જેટલી પાણીની જરૂરિયાત છે, તેટલી જ જરૂરિયાત સમાચારોની હરહંમેશ રહેશે.

ભાવનગર સાથેના સસ્મરણોને વાગોળતા કહ્યું કે, ભાવનગર સાથે તેમનો આત્મિય નાતો રહ્યો છે. એજન્ટ મિલન સમારોહ પ્રસંગે ભાવનગરની આ બીજી મુલાકાતમાં ઘણું બધું બદલાઈ ગયું છે. જે બદલાયું નથી, તે હું અને તમારો આ લાગણીનો સબંધ છે. ગુજરાત સમાચાર આજે લોકોના ઘર અને હૃદય સુધી પહોંચ્યું છે જે સૌના સ્નેહનો પ્રતિઘોષ છે. સાત દાયકાની સફરમાં હેન્ડ કમ્પોઝથી લઈ ડિજિટલ ટેકનોલોજીના બદલાવ આવ્યા છે.

ગુજરાત સમાચારે હંમશા ટેકનોલોજીમાં સમયની સાથે ચાલવાનો દ્રષ્ટીકોણ રાખ્યો છે આ વાત જણાવી ઉમેર્યું હતું કે,  સમાચાર અખબાર દ્વારા એજન્ટો વાચકો સુધી પહોંચાડતા રહ્યાં છે. હવે પરિવર્તન આવ્યું છે, વાચકો પાસેથી સમાચારો એજન્ટ ભાઇઓ દ્વારા અખબાર સુધી પહોંચે છે. વાચક અને અખબાર નજીક આવી ગયા છે.

પવિત્ર શ્રાવણ માસના સોમવારે ગુજરાત સમાચાર પરિવારનો આ ભવ્ય પ્રસંગ યોજાઈ રહ્યો છે ત્યારે વ્યવહાર અને વ્યવસાયમાં ધર્મનું કવચ હોય તો આપણા સૌનું નિશ્ચિત કલ્યાણ થાય છે, તેમ જણાવી ગુજરાત સમાચાર નિર્ભિક સત્યના પંથને વરેલું છે અને રહેશે. આપના તરફથી આશીર્વાદ, શુભેચ્છા અને પ્રેરણાઓ મળી રહી છે તેનો ખૂબ ખૂબ આભારી છું. ગામે ગામથી ઉપસ્થિત એજન્ટબંધુ-વિતરણ મિત્રો, આત્મિયજનોએ આ પ્રસંગને શોભાયમાન કર્યો છે. ભાવનગરના મારા આપ સૌ કુટુંબીજનોને મળી ખૂબ જ ગદગદીત-પ્રભાવિત થયો છું તેમ જણાવી મેનેજિંગ તંત્રી શ્રેયાંસભાઈ શાહે સૌનો હૃદયપૂર્વક આભાર માની સૌનું સારૃ થાય તેવી પ્રભુને પ્રાર્થના કરી હતી.

ગુજરાત સમાચારના મેનેજીંગ ડિરેક્ટર શ્રીમતિ સ્મૃતિબેન શાહ નાદુરસ્ત તબિયત છતાં ભાવનગર સાથેના આત્મિય સબંધનો ભાવ વ્યક્ત કરવા એજન્ટ મિલન સમારોહમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શ્રીમતિ સ્મૃતિબેન શાહે લાગણીસભર પ્રવચનમાં તમામ એજન્ટબંધુઓ-સ્નેહીજનોના સિંહ ફાળાને અવર્ણનિય ગણાવી ગુજરાત સમાચારની સફળતામાં અમૂલ્ય યોગદાન આપવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. ભાવનગર આવૃત્તિની સફળ યાત્રા બે દાયકા વટાવી ચૂકી છે અને આગામી વર્ષોમાં પણ સૌના સાથ-સહકાર સાથે ગુજરાત સમાચારને સફળતાના શિખરે લઈ જવાની અભ્યર્થના વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે એજન્ટબંધુઓએ પોતાના પ્રતિભાવ વ્યક્ત કરતા ગુજરાત સમાચારના પત્રકારત્વ અને આગવી શૈલીને બિરદાવી હતી. ગુજરાત સમાચારના વિતરકો કોમરેડ ન્યૂઝ એજન્સી-ભાવનગરના મહંમદભાઈ કુરેશી, કાજલ ન્યૂઝ એજન્સી-મણારના જેમાભાઈ ચુડાસમા તથા લખાણકાના એજન્ટ ભવાનભાઈ વાજાનું આ વર્ષ દરમિયાન અવસાન થયું હોય, બે મિનિટનું મૌન પાળી શ્રધ્ધાંજલિ પણ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ કોમ્પ્યુટર પર પારદર્શક રીતે 21મો ડ્રો યોજવામાં આવ્યો હતો જેનું સંચાલન અમદાવાદથી પધારેલા શ્રેણિકભાઈ શાહે કર્યું હતું. નસીબવંતા વિજેતા ગ્રાહકોના નામોની જાહેરાત મેનેજિંગ તંત્રી શ્રેયાંસભાઈ શાહ ઉપરાંત કમલેશ રાઠોડ(બરવાળા) અને દિલીપ મહેતા(વલભીપુર)એ કરી હતી.

એજન્ટ મિલન સમારોહને સફળ બનાવવા શ્રેણિક શાહ (અમદાવાદ), બિપીન વ્યાસ, જયેશ દવે, જીગર પંડયા, હેમંત મહેતા, કલ્પેશ હડિયલ, સંજય મુંજપરા, અજય બારૈયા, પાર્થ ત્રિવેદી, ભદ્રેશ કામ્બડ, અમિત પરમાર, મહેશ માથોળિયા, શૈલેન્દ્રસિંહ ગોહિલ, વિરલ જોશી, વિપુલ જોશી, સુનિલ શાહ, તેજસ મકવાણા, ઉમંગ જોશી, ધવલ મકવાણા, વર્ષાબેન ગાંધી, નિકુંજ જાની, અનિલાબેન, નરેન્દ્ર પાંડે, વિપુલ મહેતા, દિપક ભાવસાર, ધર્મેન્દ્રસિંહ પરમાર, કાર્તિક છાંટબાર, રાકેશ વ્યાસ, મોહિત સરૈયા, હિરેન મકવાણા, અશોક ઢાપા, વિપુલ ત્રિવેદી, સંજય મેર, રવિ પરમાર, અંકિત પંડયા, અંકિત નાવડિયા, જનક બારૈયા, આર.એન. ગોહિલ, હંસાબેન, અરવિંદ ભટ્ટી, દિલીપભાઈ, રઈશભાઈ (અમદાવાદ), પ્રદિપભાઈ, કિશોરભાઈ, કાનાભાઈ, જીગર, સુનિલ, રાજ, દિપેશ, કિશન અને હિતેષ વગેરેએ જહેમત ઉઠાવી હતી.

ખેડૂતોના વિકાસ માટે ગુજરાત સમાચાર પ્રતિબધ્ધ

ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધરે, પ્રગતિ અને વિકાસ કરે તે માટે ગુજરાત સમાચાર પ્રતિબધ્ધ છે. સરકારની તમામ સહાય યોજનાથી અવગત થાય, ખેતી પાકમાં ફાયદો મેળવે તેવી માહિતી સાથેની વિશેષ પૂર્તિ સમાચારે શરૃ કરી છે. ઉપરાંત વેબસાઈટ અને વીડિયોના માધ્યમથી પણ ગામડે ગામડે વસતા ખેડૂતોને તેમને સમજાય તેવી ભાષામાં આ માહિતી ઉપલબ્ધ કરાવવાનું પણ અમારૃ ધ્યેય છે તેમ શ્રેયાંસભાઈ શાહે જણાવી જૈવિક ખેતી ઉપર ભાર મુક્યો હતો.

પ્રત્યેક એજન્ટ ભાઈ પોતે ગુજરાત સમાચાર છે

એજન્ટોની મહત્વની ભૂમિકા વિશે વાત કરતા મેનેજિંગ તંત્રી શ્રેયાંસભાઈ શાહએ જણાવ્યું હતું કે, તમે જ્યારે વાચક સુધી જાવ છો ત્યારે લોકો તમને ગુજરાત સમાચાર તરીકે ઓળખે તમે પ્રત્યેક એજન્ટ ભાઈઓ ગુજરાત સમાચાર છો.

ઓમ નમઃ શિવાય સ્તુતિ સહિતની ભક્તિ રચના સાથે સર્જાયું ભાવમય વાતાવરણ

આજે ત્રીજા શ્રાવણીયા સોમવારે ગુજરાત સમાચાર ભાવનગર આવૃત્તિનો વાર્ષિક ઇનામી ડ્રો અને એજન્ટ મિલન સમારોહ યોજાયો. પવિત્ર શ્રાવણ માસના આ દિવસે શ્યામલ મહેતાના સ્વરમાં ભક્તિ રચનાઓની પ્રસ્તુતિ દ્વારા વાતાવરણ ભાવપૂર્ણ બન્યું હતું. ભાવનગરના જાણીતા ગાયક શ્યામલ મહેતાએ ગણેશ વંદનાથી કાર્યક્રમનો પ્રારંભ થયો હતો.

ત્યારબાદ ઓમ નમઃ શિવાયની જાણીતી શિવ સ્તુતિમાં ઉપસ્થિત સહુને પણ સાથે જોડી વાતાવરણને દિવ્ય બનાવ્યું હતું. જગત જનનીની સ્તુતિ કરતી પ્રસિધ્ધ રચના માડી તારૂ કંકુ ખર્યું ને... શ્યામલ મહેતાએ પ્રસ્તુત કરી સહુને મંત્રમુગ્ધ કરી દીધા હતાં. ગુજરાત સમાચારનો આ મિલન સમારોહ પરંપરાગત રીતે ધાર્મિક માહોલમાં યોજાતો હોય છે અને તે જ પરંપરા આ વર્ષે પણ જોવા મળી હતી.

વર્ષ દરમિયાન મૃત્યુ પામેલા એજન્ટ ભાઇઓને બે મિનીટ મૌન શ્રધ્ધાંજલી બાદ વિનવું પ્રભુ હું હાથ જોડી... આ પ્રચલિત રચના પણ પ્રસ્તુત કરી ગુજરાત સમાચાર પરિવાર વતી ભાવાંજલી અર્પી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પણ શ્યામલ મહેતાએ કર્યું હતું તો ભક્તિરચનાઓની પ્રસ્તુતિમાં કિબોર્ડ પર સંગત અશોક ગોહિલે આપી હતી.
Tags :