Get The App

મહુવા મા.યાર્ડની ચૂંટણી પૂર્ણ : 37 ઉમેદવારના ભાવી મતપેટીમાં સીલ

Updated: Feb 4th, 2022

GS TEAM

Google News
Google News
મહુવા મા.યાર્ડની ચૂંટણી પૂર્ણ : 37 ઉમેદવારના ભાવી મતપેટીમાં સીલ 1 - image

- આજે મતગણતરી બાદ પરિણામ

- ખેડૂત વિભાગમાં 88.86 ટકા, વેપારી વિભાગમાં 87.47 ટકા અને ખરીદ વેચાણ વિભાગમાં 100 ટકા મતદાન

ભાવનગર : મહુવા માર્કેટીંગ યાર્ડની વ્યવસ્થાપક કમિટી માટે આજે ખેડૂત, વેપારી અને ખરીદ-વેચાણ વિભાગના કુલ ૩૭ ઉમેદવારો વચ્ચે જામેલા જંગનું મતદાન થવા પામ્યું હતું જેમાં ખેડૂત વિભાગનું ૮૮.૬૮ ટકા, વેપારી વિભાગનું ૮૭.૪૭ ટકા અને ખરીદ વેચાણ વિભાગનું ૧૦૦ ટકા મતદાન થવા પામ્યું હોવાનું જણાયું છે.

આ અંગે મળતી વિગતો મુજબ મહુવા-રાજુલાના કુલ મળી ૧૬૧ જેટલા ગામોના હજારો ખેડૂતોની ઉપજના વેચાણ માટે મહુવા માર્કેટીંગ યાર્ડ મહત્વનું બની રહે છે જેના સંચાલન માટે જિલ્લા સેવા સહકારી મંડળીના જિલ્લા રજીસ્ટાર દ્વારા આજે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઇ છે. જેમાં સવારે ૯ થી સાંજે ૫ કલાક સુધી મતદાન થયું હતું. ખેડૂત વિભાગની ૧૦ સીટ માટે ૨૭ ઉમેદવારો વચ્ચે વેપારી વિભાગની ૪ સીટ માટે ૮ ઉમેદવારો વચ્ચે અને ખરીદ વેચાણ વિભાગની ૧ સીટ માટે બે ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો છે જેનું આજે મહુવા માર્કેટીંગ યાર્ડ ખાતે મતદાન શાંતિપૂર્ણ માહોલમાં યોજાયું હતું. આ મતદાનમાં ખેડૂત વિભાગના ૮૪૪ મતદારોમાંથી ૭૫૦ મત પડયા હતાં. એટલે ૮૮.૮૬ ટકા મતદાન નોંધાયું હતું તથા વેપારી વિભાગના કુલ ૬૨૩ મતદારોમાંથી ૫૪૫ મત પડયા હતાં એટલે ૮૭.૪૭ ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે ખરીદ-વેચાણ વિભાગમાં ૧૪ મતદારોમાંથી ૧૪ મત પડતા ૧૦૦ ટકા મતદાન થવા પામ્યું હતું. આમ કુલ ૧૪૮૧ મતદારોમાંથી ૧૩૦૯ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને મતપેટી સીલ કરાઇ હતી. સમગ્ર મતદાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાયું હતું. જ્યારે આવતીકાલે તા.૫ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.