રંઘોળા નજીક ટાયર ફાટતા ઈકોની ગુલાંટ, 1 નું મોત
- ભાવનગરથી રાજકોટ પેસેન્જર ભરીને જતી ઈકો બેથી 3 ગુલાંટ મારી ગઈ
- રાજકોટના પરિવારના 4 સભ્ય, ડ્રાઈવર સહિત અન્ય મુસાફરોને ઈજા થતાં ભાવનગર ખસેડાયા
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના લક્ષ્મીવાડી ક્વાર્ટર નં.૪૦, બ્લોક નં.૫માં રહેતા દિવ્યેશભાઈ વિજયભાઈ જાદવ (ઉ.વ.૨૫), તેમના કાકા જયરાજભાઈ નટુભાઈ જાદવ, પિતા વિજયભાઈ જાદવ, કાકા સુખદેવસિંહ, માતા રેખાબેન, ભાભુ મીનાબેન, બહેન ઉર્વષીબેન, ભાઈ ઈન્દ્રજીતસિંહ સહિતનાઓ ગત તા.૧૫-૭ના રોજ સાંજની ટ્રેનમાં બેસી ભાવનગર કાકાના ઘરે આવ્યા હતા. અહીં સવારે પહોંચેલો પરિવાર બાધા હોવાથી ચામુંડા માતાજીના દર્શન કરી બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં રાજકોટ જવા માટે ભાવનગર એસ.ટી. બસ સ્ટેન્ડ પહોંચ્યો હતો અને એક ખાનગી ઈકો કાર નં.જીજે.૦૪.એડબ્લ્યુ.૨૭૬૯માં અન્ય મુસાફરો સાથે બેસી પરિવાર રાજકોટ જવા નીકળ્યો હતો. ત્યારે ઉમરાળા તાલુકાના રંઘોળા ગામ પાસે રાધેક્રિષ્ના હોટલ પાસે પહોંચતા અચાનક ઈકોનું ટાયર ફાટતા કાર બેથી ત્રણ ગુલાંટ મારી ગઈ હતી. જે બનાવમાં સુખદેવસિંહ નામના આધેડને ગંભીર ઈજા થતાં તેઓને સિહોર સરકારી હોસ્પિટલ ખસેડાતા ફરજપરના તબીબે મૃત જાહેર કર્યા હતા. જ્યારે ઈકો પલટી જવાની ઘટનામાં દિવ્યેશભાઈને સામાન્ય ઈજા તેમજ તેમના રેખાબેન, વિજયભાઈ, ઉર્વષીબેન, ઈકોના ચાલક અને અન્ય પેસેન્જરને નાની-મોટી ઈજા થઈ હતી. જેઓને સારવાર માટે ૧૦૮માં પ્રથમ સિહોર અને ત્યારબાદ ભાવનગર સર ટી.હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટના સંદર્ભે દિવ્યેશભાઈ જાદવે ઈકોના ચાલક સામે ઉમરાળા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે આઈપીસી ૨૭૯ઈ, ૩૦૪એ, ૩૩૭, ૩૩૮ અને એમ.વી. એક્ટની કલમ ૧૭૭, ૧૮૪ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.