Get The App

રાજુલા સબ ડિવિઝન પીજીવીસીએલનો કમાઉ દિકરો, પણ સુવિધામાં ઠાગાઠૈયા

Updated: Jul 11th, 2024


Google NewsGoogle News
રાજુલા સબ ડિવિઝન પીજીવીસીએલનો કમાઉ દિકરો, પણ સુવિધામાં ઠાગાઠૈયા 1 - image


- રાજુલામાં પીજીવીસીએલનું ડિવિઝન ફાળવવાની લોકોની પ્રબળ માંગ

- મહિનાની 36 કરોડની કમાણી કરતું રાજુલા સબ ડિવિઝન છતાં ડિવિઝન ન હોવાથી સામાન્ય કામમાં સાવરકુંડલા જવું પડે છે

રાજુલા : અમરેલી જિલ્લામાં પીજીવીસીએલના સબ ડિવિઝનોમાં સૌથી વધારે કમાણી કરી આપતા રાજુલામાં પીજીવીસીએલનું ડિવિઝન ફાળવવા લોક માંગ ઉઠી છે. પીજીવીસીએલને સૌથી વધારે કમાણી કરી આપતા રાજુલા સબ ડિવિઝનમાં આવક એટલી સુવિધા ગ્રાહકોને મળતી નહી હોવાની રાવ ઉઠી છે. વીજ ફોલ્ટ સર્જાય અથવા કોઈ સામાન્ય કામ હોય તો તેના માટે ૪૮ કિમી દૂર ડિવિઝ્નલ કચેરી સાવરકુંડલા ખાાતે જવું પડે છે અને આના કારણે ફોલ્ટ રિપેઈર કરવામાં પણ વિલંબ થાય છે અને અંતે તો ગ્રાહકોએ જ હેરાન થવું પડે છે. તેથી રાજુલાને પીજીવીસીએલનું સબ ડિવિઝન મળે તેવી લોક માંગ ઉઠી છે.

અમરેલી જિલ્લામાં પીજીવીસીએલને સૌથી વધારે કમાણી કરીને આપતું રાજુલા સબ ડિવિઝન છે. અનેક ઉદ્યોગોને કારણે આ ડિવિઝન પીજીવીસીએલનો કમાઉ દિકરો સાબિત થયો છે તેમ છતાં ગ્રાહકોને પુરતી સુવિધા મળતી નથી. સામાન્ય કામ માટે ગ્રાહકોએ ૪૮ કિમી દૂર સાવરકુંડલા ડિવિઝન કચેરી સુધી ધક્કા ખાવા પડે છે. તેમજ રાજુલા સબ ડિવિઝનની વહીવટી કામગીરીની પ્રક્રિયા અને ટીસી બળી જાય તો તે લેવા વારેવારે ડિવિઝ્નલ કચેરીએ જવું પડે છે અને તેમાં વધારે સમય વેડફાતો હોવાથી વીજ ફોલ્ટ વખતે લોકોએ વધારે સમય વીજકાપ વેઠવો પડે છે અને તેના લીધે સ્થાનિક નાકરિકો, વેપારીઓ અને ખેડૂતો હેરાન થાય છે. સબ ડિવિઝનમાં ૭૫ હજાર ગ્રાહકો વચ્ચે કુલ ૬૬ કેવી સબ સ્ટેશન ૧૩ છે અને જિલ્લામાં સૌથી વધારે રાજુલા-જાફરાબાદ સબ ડિવિઝન કચેરીની એક મહિનાની આવક આશરે રૂ.૩૬ કરોડ જેટલી છે. તેમ છતાં ગ્રાહકોને સુવિધા નહી મળતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આમ આવકની દ્રષ્ટિએ નં.૧ રાજુલામાં પીજીવીસીએલની ડિવિઝ્ન કચેરી આપવામાં આવે તો આ વિસ્તારના ઉદ્યોગો, હોસ્પિટલો, વેપારીઓ, ખેડૂતો અને સામાન્ય નાગરિકોને બહોળો લાભ મળશે અને સામાન્ય કામ માટે સાવરકુંડલા સુધી ધક્કા ખાવા ના પડે તેથી આ પ્રશ્ને તાત્કાલિક સમાધાન આવે તેવું સ્થાનિક આગેવાનો, વેપારીઓ અને જનતા ઈચ્છી રહી છે અને સ્થાનિક ધારાસભ્ય આ મુદ્દે રજૂઆત કરશે તેમ પણ જાણવા મળ્યું છે.


Google NewsGoogle News