Get The App

ડુપ્લીકેટ લાયસન્સ કાંડ : આરટીઓ ડોક્યુમેન્ટ અને ડેટા પોલીસને આપશે

Updated: Feb 25th, 2024

GS TEAM


Google News
Google News
ડુપ્લીકેટ લાયસન્સ કાંડ : આરટીઓ ડોક્યુમેન્ટ અને ડેટા પોલીસને આપશે 1 - image


- લાયસન્સ માટે કોમ્પ્યુટર ટેસ્ટ અને ડ્રાઈવીંગ ટેસ્ટ ફરજીયાત

- ભેજાબાજ તત્ત્વોની જાણ આરટીઓ કે પોલીસને કરવા તાકીદ

ભાવનગર : તળાજા તાલુકાના જૂના શોભાવડ ગામના ભેજાબાજ શખ્સે હજારો રૂપિયા ખંખેરી ડુપ્લીકેટ ડ્રાઈવીંગ લાયસન્સનું કૌભાંડ આચર્યાની ઘટનામાં સત્તાવાર રીતે પોલીસ ફરિયાદ થયા બાદ હવે ભાવનગર આરટીઓ દ્વારા પોલીસને તપાસના કામે જરૂર જણાય ત્યાં ડોક્યુમેન્ટ્સ અને ડેટા આપવામાં આવશે.

મહુવા તાલુકાના નીચા કોટડા ગામના દિનેશભાઈ શિયાળ નામના મજૂર યુવાન પાસેથી તળાજાના જૂના શોભાવડ ગામના જયરાજ ડોડિયા નામના શખ્સે અઢી માસ પૂર્વે આઠ હજાર રૂપિયા ખંખેરી ડુપ્લીકેટ ડ્રાઈવીંગ લાયસન્સ બનાવી આપી છેતરપિંડી, વિશ્વાસઘાત કર્યો હતો. બાદમાં યુવાનને ડ્રાઈવીંગ લાયસન્સ નકલી હોવાની જાણ થતાં તેણે ભાવનગર આરટીઓના અધિકારીને રજૂઆત કરી સમગ્ર કૌભાંડ મામલે ગઈકાલે શુક્રવારે જયરાજ ડોડિયા સામે દાઠા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે શખ્સની શોધખોળ શરૂ કરી દીધી છે. તો બીજી તરફ ભાવનગર આરટીઓ તરફથી પણ પોલીસ માંગે ત્યારે તપાસ માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ અને ડેટા ઉપલબ્ધ કરાવવામાં આવશે. ડુપ્લીકેટ લાયસન્સ કાંડ ભાવનગર આરટીઓ ટાંકે ઉમેર્યું હતું કે, લાયસન્સ ઈચ્છુક કોઈપણ અરજદારે લાયસન્સ માટે સરકારી નિયમાનુસાર કોમ્પ્યુટર ટેસ્ટ અને ડ્રાઈવીંગ ટેસ્ટ આપવી ફરજીયાત છે. આરટીઓ કચેરી તરફથી આ બન્ને ટેસ્ટ વિના કોઈને પણ કોઈને પણ ક્યારેય ઘર બેઠા લાયસન્સ ઈસ્યુ કરતું નથી. જો કોઈ આવા ભેજાબાજ તત્ત્વો દ્વારા રૂપિયા લઈ લાયસન્સ કાઢી આપવાનું કહેવામાં આવે તો લોકોએ જાગૃત બની આરટીઓ કે પોલીસનો તુરંત સંપર્ક સાધવા જણાવ્યું છે.

Tags :