For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ધંધુકાના સાંકડા રેલ્વે ફાટકના પગલે ટ્રાફીક જામની સમસ્યા કાયમી બની

Updated: Nov 23rd, 2021


- ભાવનગર અમદાવાદ ધોરીમાર્ગ ઉપર નિયમીત ટ્રાફીક ખોરવાતા પોલીસની ભાગદોડ વધી

- માર્ગ-મકાન વિભાગના રસ્તાની પહોળાઈને ટેકનિકલ રીતે ધ્યાનમાં લીધા વગર રેલ્વેના એન્જિનિયરોએ કામચલાઉ ફાટક બનાવી નાખ્યું

ધંધુકા : અમદાવાદ જિલ્લાના ધંધુકા-અમદાવાદ ધોરીમાર્ગ ઉપર પાદરમાં રેલ્વે દ્વારા બ્રોડગેજ રેલવે ટ્રેકના સાંકડા રેલ્વે ફાટક ના કારણે નિયમિત ટ્રાફિકજામ કલાકો સુધી રહે છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા બનેલ માર્ગને ધ્યાનમાં લીધા વગર સાંકડું રેલ્વે ફાટક બનાવી દેવાના કારણે વાહનો ભરાવો થાય છે અને ધોરીમાર્ગનો ટ્રાફિક જામ થઈ જાય છે. કલાકો સુધી ધંધુકા પોલીસ અને ટ્રાફિક રાબેતા મુજબ શરૂ રાખવા કસરત કરવી પડી રહી છે.

રેલ્વે તંત્ર દ્વારા છેલ્લા ત્રણ-ચાર વર્ષથી બોટાદ-અમદાવાદ રેલ્વે ટ્રેકને બ્રોડગેજમાં રૂપાંતર કરવાનું કામ હાથમાં ધરવામાં આવ્યું છે. ત્યારે રેલ્વે તંત્રના એન્જીનીયરો દ્વારા ધંધુકા અમદાવાદ ધોરીમાર્ગ ઉપર રેલ્વે ફાટક કામ ચલાઉ મૂકવામાં આવ્યું છે. હાલમાં આ ફાટક ઉપર ઓવરબ્રીજ બની ગયો છે જેને જોડતા વચ્ચેના ગાળાનું કામ રેલવે તંત્રની આડોડાઇના કારણે હાલ પૂરતું બંધ થવાનુ જાણવા મળેલ છે આ સંજોગોમાં ધોરીમાર્ગના ટ્રાફિકને ચલાવવા રેલ્વેના એન્જીનીયરો દ્વારા કામ ચલાઉ રેલ્વે ફાટક કાર્યરત કરવામાં આવ્યો છે પરંતુ આ ફાટકને બનાવવામાં ધોરીમાર્ગ ફોરલાઇનને ધ્યાનમાં લીધા વગર રેલવેના એન્જિનિયરોએ સાંકડું ફાટક બનાવી નાખ્યું છે જેના કારણે ચોવીસ કલાક ટ્રાફિકથી ધમધમતા આ ધોરીમાર્ગ ઉપર ટ્રાફિક કલાકો સુધી જામ થાય છે રેલ્વેના એન્જિનિયરોએ રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા બનેલ ધોરીમાર્ગની પહોળાઈ અને રેલ્વે ફાટકમાંથી સરળતાથી બે વાહનો પસાર થઈ શકે તેવી કોઈ ચીવટ દાખવી નથી. જેના કારણે ધંધુકાના પાદરના ફાટક ઉપર વાહનો સરળતાથી પસાર થઈ શકતા નથી અને વારંવાર ટ્રાફિક જામની સમસ્યા ઉભી થાય છે. જેના કારણે વાહનચાલકો અને આમ પ્રજાના કલાકોનો સમય વેડફાય છે અને મુશ્કેલીમાં મુકાય છે. ભાવનગર અમરેલીથી અમદાવાદ અને ગાંધીનગર તરફ જતો તમામ રસ્તાઓ ધંધુકા થી આગળ વધે છે પણ ધંધુકાનું કામ ચલાઉ રેલ્વે ફાટક ધોરીમાર્ગના ટ્રાફિકને સરળતાથી આગળ વધવા દેતું નથી

ટ્રાફીક જામની સમસ્યાને લઈ ધંધુકાની પોલીસ આખો દિવસ ૨૪ કલાક ટ્રાફિકને રાબેતા મુજબ કરવા ખડે પગે રહે છે ધોરી માર્ગ ઉપરથી પસાર થતી એમ્બ્યુલન્સ ૧૦૮ એમ્બ્યુલન્સ ઉપરાંત રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓને સૌને ટ્રાફિકના કડવો અનુભવ રેલ્વેના ફાટકથી થઈ રહ્યો છે. ટ્રાફિક સમસ્યાના કારણે રેલ્વે તંત્ર દ્વારા ધંધુકાના કામ ચલાઉ ફાટકને પહોળુ વધારી મોટું કરે તેવી લોકો માંગ ઉઠવા પામી છે.

Gujarat