દે.પૂ.વાસમાં ડ્રેનેજ લાઈનના અભાવે રહિશો જાહેરમાં જાજરૂ જવા મજબૂર
- રોડ, પાણી, બ્લોક, સ્ટ્રીટલાઈટના મામલે વારંવાર રજૂઆતો છતાં પ્રશ્નોનો કોઈ હલ નહીં
- સિંહા કોલોનીથી પમ્પીંગ સુધી ડ્રેનેજ લાઈન નાંખવાની ઓફિસ કાર્યવાહી શરૂ હોવાની પીપૂડી વગાડયાને 11 મહિના થયા છતાં સ્થિતિ જૈસે થે વૈસે
શહેરના ચાવડીગેટ નજીક આવેલી મહાલક્ષ્મી મીલની ચાલી પાસે આવેલ દેવીપૂજકવાસમાં ડ્રેનેજ લાઈનના અભાવે આ વિસ્તારના નાગરિકોને રેલવેના પાટા પાસે જાહેર ખુલ્લી જગ્યામાં શૌચક્રિયા કરવા જવું પડી રહ્યું છે. આ બાબતે ભૂતકાળમાં રજૂઆત થતાં મહાપાલિકાના ડ્રેનેજ વિભાગના કાર્યપાલક ઈજનેરે અરજીના જવાબમાં સિંહા કોલોનીથી પમ્પીંગ સુધી ડ્રેનેજ લાઈન નાંખવા માટે ઓફિસ કાર્યવાહી શરૂ હોવાનું જણાવ્યું હતું. જેને આજે ૧૧ માસ જેટલો સમય વિતી ગયો હોવા છતાં પણ ડ્રેનેજ લાઈનનો પ્રશ્ન જૈસે થે વૈસે સ્થિતિમાં જ છે. જે કારણથી આ વિસ્તારમાં રહેતા આશરે ત્રણથી ચાર હજાર લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ડ્રેનેજ લાઈન ઉપરાંત અન્ય પડતર પ્રશ્નો જેવા કે, કુંભારવાડા રેલવે ફાટકથી જવાહરનગર રેલવે ફાટક સુધી નવો રોડ બનાવવા, સ્ટ્રીટલાઈટ નાંખવા, અંડરબ્રીજમાં પડેલા ખાડાનું રિપેરીંગ કામ કરાવવા, શેઠ ગોરધનદાસ કોલોની, શેરી નં.૩માં બ્લોક નાંખવા અને પાણીનો સમય સવારે ૭થી ૮ કલાકનો કરવા માટે ગત તા.૧૨-૮ના રોજ શેઠ ગોરધનદાસ કોલોનીમાં રહેતા વયોવૃધ્ધ સામાજિક કાર્યકરે લેખિતમાં રજૂઆત પણ કરી હતી. જો કે, વારંવાર રજૂઆતો કરવા છતાં પ્રશ્નોનો કોઈ હલ આવતો નથી. જેથી સ્થાનિકોમાં રોષ ફેલાયો છે.