Get The App

નશાખોરો સાવધાન: દારૂનું સેવન કરનારને ઝડપી પાડવા ટીમ તૈનાત

- થર્ટી ફર્સ્ટ પૂર્વે ભાવનગર પોલીસનો એક્શન પ્લાન તૈયાર

- હોટલ, ફાર્મહાઉસ, પાર્ટી પ્લોટ, સિનેમા ઘરો અને ભીડભાડવાળી જગ્યાઓ પર પોલીસ ખાનગી ડ્રેસમાં વોચ રાખશે

Updated: Dec 28th, 2019

GS TEAM

Google News
Google News
નશાખોરો સાવધાન: દારૂનું સેવન કરનારને ઝડપી પાડવા ટીમ તૈનાત 1 - image


ભાવનગર,28 ડીસેમ્બર 2019 શનિવાર

થર્ટી ફર્સ્ટ પૂર્વે ભાવનગર પોલીસ તંત્રએ ખાસ એક્શન પ્લાન તૈયાર કરી નશાખોરોને ઝડપી પાડવા જુદી જુદી પોલીસ ટીમો બનાવી છે. જ્યારે હોટલ, ફાર્મહાઉસ, પાર્ટી પ્લોટ, સિનેમા ઘરો અને ભીડભાડવાળી જગ્યાઓ પર પોલીસ ખાનગી ડ્રેસમાં વોચ રાખવામાં આવશે તેમજ કોઇ અનિચ્છનિય ઘટના ન ઘટે તે માટે પોલીસ તકેદારીરૂપ પગલાઓ લેશે.

થર્ટી ફર્સ્ટ અનુસંધાને શહેરીજનો તહેવાર ભયમુક્ત વાતાવરણમાં મનાવી શકે તે માટે ગુજરાત રાજ્યના ડીજીપીના આદેશ અનુસંધાને ભાવનગર રેન્જ ડિઆઇજી અને એસ.પી.એ લોકલ ક્રાઇમ બ્રાંચ, એસ.ઓ.જી. તેમજ તમામ ડિવિઝનના પી.આઇ.ને સતર્ક રહેવા અને તકેદારીરૂપ પગલાઓ લેવા સુચિત કર્યાં હતાં જે અનુસંધાને ભાવનગર જિલ્લાના પોલીસ તંત્ર દ્વારા શહેરીજનો તથા જિલ્લાના લોકો આ ૩૧ ડિસેમ્બરનો તહેવાર શાંતિપૂર્ણ અને ભયમુક્ત વાતાવરણમાં મનાવી શકે તે સારૂ આગામી તા.૨-૧-૨૦૨૦ સુધી ખાસ એક પ્લાન બનાવેલ છે અને આ એક્શન પ્લાનમાં ખાસ આ તહેવારમાં અગાઉ ધ્યાને આવેલ તે મુજબ તહેવાર મનાવવા નશો કરતા અને દારૂનું સેવન કરતા ઇસમો સામે લાલ આંખ કરી તેઓને ઝડપી પાડવા જુદી જુદી ટીમો બનાવી કાર્યરત કરવામાં આવેલ છે તેમજ તહેવાર દરમિયાન ભીડભાડવાળી જગ્યાઓ તથા હોટલો, ફાર્મહાઉસ, પાર્ટી પ્લોટ તથા સિનેમા ઘરો વિગેરે જગ્યાઓએ પોલીસ ખાનગી કપડામાં રહી વોચ રાખશે અને કોઇ ગેરકાયદે પ્રવૃત્તિ ધ્યાને આવ્યે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેમજ જે વિસ્તારમાં મહિલાઓની અવર જવર વધુ હશે આવા વિસ્તારમાં પણ ખાનગી કપડામાં મહિલા પોલીસ અધિકારી, કર્મચારીઓને તહેનાત રાખવામાં આવશે અને કોઇ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તેની ખાસ તકેદારી રાખવામાં આવશે. પોલીસે પણ નાગરિકોને તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવવા અને પોલીસને સહકાર આપવા તેમજ કોઇ ગેરકાયદેસર પ્રવૃત્તિ ધ્યાને આવ્યે ભાવનગર પોલીસ કંટ્રોલ કે નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા અપીલ કરવામાં આવી છે.

Tags :