ડોકટર, યુ ટુ?! કોરોના સારવારમાં દર્દીઓની ગરજનો રોકડીયો લાભ
- રાજકોટમાં મનપા માન્ય ચાર્જીસ પણ ઊંચા હોવાથી નારાજગી
- સરકારીમાં 7 દિવસે'ય રજા મળી જાય, પણ ખાનગીમાં 10 દિવસના પૈસા 24 કલાકમાં જ ભરી દેવાના લાગ્યાં બેનર
રાજકોટ, તા. 17 જુલાઈ, 2020, શુક્રવાર
રાજકોટમાં કોવિડ-૧૯ની સારવાર માટે સિવિલ ટૂંકી પડવા માંડી હતી એવામાં કેટલીક પ્રાયવેટ હોસ્પિટલોએ પણ અંતે કોરોના પેશન્ટોની ટ્રીટમેન્ટ શરૂ કરી દેતાં અનેક લોકોને મોટી માનસિક રાહત તો થઈ પડી છે, પરંતુ મધ્યમવર્ગના ઘણા માણસો આવી હોસ્પિટલોમાં રખાતા કોમર્શિયલ એપ્રોચને લઈને દિગમૂઢ બની જાય છે અને વૈશ્વિક મહામારીના આવા નાજૂક તબક્કે પણ કમાણી કરી લેવાની અમૂક સંચાલકોની નીતિ ઊપર સરકારી તંત્ર અત્યારથી જ લગામ તાણે તેવો જનમત પ્રવર્તી રહ્યો છે.
મલ્ટી સ્પેશ્યાલિટી અને કોર્પોરેટ હોસ્પિટલો સહિત મોટાં ડોકટર્સ ગુ્રપ રાજકોટમાં બંધ જેવી હાલતમાં પડેલી હોસ્પિટલો શોધવામાં પડયાં હતાં, જેથી પોતાની સ્થાપિત હોસ્પિટલમાં અન્ય બિમારીઓના દર્દીઓ આવવાનું ચાલુ જ રહે અને સર્વિસમાં ઓટ ન આવે. આવા અર્ધો ડઝન જૂથે એક યા બીજી બંધ જેવી હોસ્પિટલ મળી જતાં પાંચ સ્થળે કોરોના સારવાર શરૂ થઈ ગઈ છે, તો એકનાં બેઝમેન્ટમાં વરસાદી પાણી ભરાઈ જતાં હવે એકાદ-બે દિવસ પછી ત્યાં કોરોના દર્દીઓને દાખલ કરાતા થવાના છે.
રાજકોટ મહાનગરપાલિકએ તા.૧૯મી જૂને આવી પહેલી પ્રાયવેટ હોસ્પિટલ સાથે કરેલા એગ્રીમેન્ટ મુજબ વોર્ડ પ્રમાણે રોજીંદા મહત્તમ કેટલાં ચાર્જીસ લઈ શકાશે એ તો જાહેર કર્યું પરંતુ એ ચાર્જીસમાં શું-શું સમાવિષ્ટ હશે, અને કયાં - કયાં ટેસ્ટ કે સ્પેશ્યાલિસ્ટની સેવા માટે મહત્તમ શું-શું ચાર્જ લઈ શકાશે, એનો કોઈ જ ફોડ આજેય પૂછવા છતાં પણ મનપા દ્વારા નતી પડાયો. સુરત મહાપાલિકા અને 'સુડા'એ એ ચાર્જીસમાં કયા કયા રૂટીન ટેસ્ટ્સ, દવાઓ, તબીબી સેવાઓ સમાવિષ્ટ ગણવા એની વિગતવાર છણાવટ ઉપરાંત અન્ય (એકસ્ટ્રા પેમેન્ટવાળા) ટેસ્ટ, એકસપર્ટ વિઝિટના પણ મહત્તમ ચાર્જ જાહેર કર્યા છે, તથા દવા વગેરેમાં એમ.આર.પી.ના કેટલાં ટકા રકમ લેવાશે એ પણ જાહેર કર્યું હતું. એટલું જ નહીં, મહાપાલિકા કે સરકારે રીફર ન કર્યા હોય તેવા દર્દીઓ જ સેલ્ફ પેમેન્ટ કરવાનો ઉલ્લેખ છે. મતલબ કે દરેક કાનગી હોસ્પિટલમાં અમૂક કવોટા મનપા અને સરકારી તંત્રનો હોય, જયારે રાજકોટમાં એવી કોઈ જ જોગવાઈ ગરીબ કે નિમ્ન મધ્યમ વર્ગ માટે રાખવામાં તંત્રનું હોસ્પિટલ સંચાલકો પાસે કશું ચાલ્યું જ નથી.
આ ઉપરાંત, અમૂક ખાનગી હોસ્પિટલની બહાર મૂકી દેવાયેલા ચાર્જીસની જાણકારી આપતા મોટાં મોટાં બોર્ડમાં નીચે સ્પષ્ટ સૂચના લખાયેલી જોવા મળે છે કે, દાખલ થયાના છ જ કલાકમાં પાંચ દિવસના ચાર્જીસની રકમ અને ૨૪ કલાકમાં વધુ પાંચ દિવસના પૈસા જમા કરી દેવાના રહેશે! અલબત્, તેમાં ડિપોઝીટ શબ્દનો ઉલ્લેખ તો છે પરંતુ સિવિલમાં અનકે દર્દીઓને સાત કે પાંચ દિવસે પણ ડિસ્ચાર્જ આપી દેવાતું હોય ત્યારે ખાનગીમાં એક જ દિવસમાં દર્દીના પરિવારજનોને દસ દિવસની રકમ (જે નાખી દેતાં'ય રૂા. ૮૪ હજારથી રૂા ૨.૧૫ લાખ થાય) એક ઝાટકે ભરી દેવાની ફરજ પાડવામાં આવે તે કેટલું વ્યાજબી! જનરલ વોર્ડમાં જયાં એક સાથે ત્રણ કે વધુ દર્દીને રખાતા હોય અને એઝીથ્રોમાઈસીન, ડાયહાઈડ્રોકસી કલોરોક્વિન જેવી મામૂલી દરની દવાઓ જ અપાતી હોય તેનાં પણ રોજનાં ૮૪૦૦ શા માટે, એવો પણ ગણગણાટ પ્રવર્તે છે. કહે છે કે, 'એમાં ચા - નાસ્તો - ભોજન, એકોમોડેશન ઉપરાંત (પી.પી.ઈ. કીટ પહેરેલા) ડોકટરની વિઝિટ, નર્સિંગ ચાર્જ, ટેકસ સમાવિષ્ટ હોવાથી આટલાં ભાવ છે, અને સુરત - અમદાવાદ જેવા મહાનગરો કરતાં તો રોજના રૂા ૨૫૦થી ૧૧૦૦ જેટલાં ઓછા જ છે.'