Get The App

જિલ્લા-તાલુકા મથકોએ ધ્વજ વંદન સમારોહમાં મહેમાનોને લાવવા છૂટ

- કોરોના સંકટમાં તંત્ર માટે 'સ્વતંત્ર' ગાઈડ લાઈન જાહેર

- જિલ્લા સ્તરે ૧પ૦, તાલુકા મથકે ૧૦૦ અને ગ્રામ કક્ષાએ પ૦ ને નિમંત્રણ અપાશે

Updated: Aug 1st, 2020

GS TEAM

Google News
Google News

રાજકોટ, તા. 1 ઑગષ્ટ, 2020, શનિવાર 

કોરોનાનું સંક્રમણ ચિંતાજનક હદે વધી રહયુ છે લોકમેળા અને જાહેર કાર્યક્રમો , સમારોહ પર પ્રતિબંધ છે ત્યારે આગામી તા. ૧પ ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનનાં ધ્વજ વંદન સમારોહમાં મહેમાનોને બોલાવવાની છૂટ વહીવટી તંત્રને અપાઈ છે જો કે આ સમારોહમાં કોરોનાને કારણે મર્યાદિત સંખ્યામાં આમંત્રિતોને બોલાવવામાં આવશે. રાજયનાં સામાન્ય વહીવટી વિભાગે ૧પ ઓગસ્ટની ઉજવણીનાં કાર્યક્રમને લઈને ગાઈડ લાઈન જારી કરી છે.
રાજય, જિલ્લા , તાલુકા અને ગ્રામ્ય સ્તરે ૧પ ઓગસ્ટની ઉજવણીનાં કાર્યક્રમને લઈને પ્રોટોકોલ વિભાગે સૂચનાઓ આપી છે. ૧પ ઓગસ્ટે સવારે નવ વાગ્યે ધ્વજ વંદન કાર્યક્રમની શરુઆત કરાશે આ સમયે રાષ્ટ્રગાન, દેશભકિતની સૂરાવલી સાથે સોશ્યલ ડિસ્ટન્સનું પાલન અને દરેકે માસ્ક પહેરવા સહિતનાં નિયમોનું ખાસ પાલન કરે તેવો આદેશ તંત્રને અપાયો છે. જિલ્લા સ્તરે મંત્રી અથવા કલેકટરનાં હસ્તે થનારા ધ્વજ વંદન સમારોહમાં ૧પ૦ મહાનુભાવોને આમંત્રણ આપવા, તાલુકા સ્તરે ૧૦૦ અને ગ્રામ પંચાયત સ્તરે પ૦ અગ્રણીઓને જ નિમંત્રણ આપવામાં આવશે. અને આ ત્રણેય સ્તર પરના કાર્યક્રમમાં મંચ પર માત્ર પાંચ થી વધુ સંખ્યામાં મહાનુભાવો ઉપિસ્થત ન રહે તેવી વ્યવસ્થા ગોઠવવા સૂચનાઓ જિલ્લા - તાલુકાનાં તંત્રને આપવામાં આવી છે. 

ધ્વજ વંદન સમારોહમાં કોરોના વોરિયર્સને બોલાવવામાં આવશે. ખાસ કરીને ડોકટર્સ, નર્સિંગ સ્ટાફ, ઉપરાંત કોરોનાને મહાત કરનારને બોલાવી તેમનું સન્માન કરવામાં આવશે. આ ઉપરાંત વૃક્ષારોપણ, ડિજીટલ માધ્યમથી આ વિષયને અનુરુપ સંવાદ, દેશભકિતનાં ગીતોની સ્પર્ધા, નિબંધ વગેરે આયોજનો કરવાનો ગાઈડ લાઈનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.રાજકોટ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ઘંટેશ્વર એસઆરપી કેમ્પ ખાતે યોજાશે તેમાં કેબીનેટ મંત્રી હાજર રહેશે અને શહેરનો કાર્યક્રમ ચોૈધરી હાઈસ્કૂલમાં યોજાશે તેમાં અધિક કલેકટરનાં હસ્તે ધ્વજવંદન કરાશે.

Tags :