અષાઢી અમાસથી દશામાના વ્રતની ઉજવણીમાં શ્રધ્ધાળુઓ મગ્ન બની જશે
- કારીગરોની પારંપારિક નિર્માણ અને પેઈન્ટિંગની કલા સરાહનીય
- જવાહર મેદાન સહિતની શ્રમિકોની વસાહતમાં દશામાની મૂર્તિઓના નવનિર્માણ અને રંગરોગાનનો ધમધમાટ
દેવાધિદેવ મહાદેવની આરાધના અને શ્રીકૃષ્ણના પ્રાગટયોત્સવના શ્રાવણ માસના આગમનના પ્રારંભ પુર્વે અષાઢ વદ અમાસના પર્વે આગામી તા.૪ ઓગસ્ટથી ભાવનગર સહિત સૌરાષ્ટ્રભરમાં દશામાના વ્રતની વ્રતધારી પરિવારો દ્વારા રંગેચંગે ઉજવણી કરવામાં આવશે. દશામાના નોરતા તરીકે પણ જાણીતા આ વ્રતોત્સવ દરમિયાન શ્રધ્ધાળુઓ દ્વારા વ્યકિતગત, પારિવારિક અને સામુહિક ધોરણે માટીના દશામાની મૂર્તિની પધરામણી કરી સતત દશ દિવસ સુધી નીત્યક્રમ મુજબ સાંઢણીનું તેમજ માતાજીનું પૂજન, અર્ચન અને સત્સંગ, બટુકભોજન, મહાપ્રસાદ, સંકિર્તન અને સંતવાણી સહિતના અનેકવિધ કાર્યક્રમોના આયોજન કરાશે. ભાવિકો દ્વારા દશ દિવસ સુધી ઉપવાસ કરાશે. આ દરમિયાન દાન, દક્ષિણા, વસ્ત્રદાન, અન્નદાન અને જીવદયા પ્રવૃતિઓ હાથ ધરાશે અને અંતિમ દિવસે વ્રતનું ઉજવણુકરી દશમાં દિવસે મૂર્તિનું વિધિવત નદી, તળાવમાં વિસર્જીત કરાશે. અત્રે એ નોંધનીય છે કે, ભાવનગર શહેર અને જિલ્લામાં ગણેશ ઉત્સવ જેટલો જ ક્રેઝ દશામાના ઉત્સવ દરમિયાન પણ જોવા મળતો હોય હાલ શહેરના જવાહર મેદાન, સહકારી હાટ, કુંભારવાડા, તળાજા રોડ, મફતનગર અને ઘોઘા રોડ અને રૂવાપરી રોડ સહિતના છેવાડાના વિસ્તારોમાં ૩૦ થી વધુ શ્રમિક પરિવારો, કારીગરો અને વિક્રેતાઓ દ્વારા દશામાની એક એકથી ચડીયાતી નાની અને મનોહર મુર્તિઓનું નવનિર્માણકાર્ય, રંગરોગાનના કાર્યને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.પ્રારંભિક તબકકામાં શ્રમિકો દ્વારા જવાહર મેદાન,માળીનો ટેકરો, ગંગાજળીયા તળાવ સહિતના સ્થળોએ નાના મોટા ડોમ બનાવી વેચાણકેન્દ્રો શરૂ કરાયા છે. આ મહેનતકશ શ્રમિકોની પારંપારિક મૂર્તિ નિર્માણ અને રંગરોગાનની કલા શ્રધ્ધાળુઓમાં સરાહનીય બની રહી છે. આ કારીગરો દ્વારા રૂા ૫૦ થી લઈને રૂા ૨૫૦૦ આસપાસના ભાવે ચિત્તાકર્ષક શણગાર અને સુશોભન તેમજ મોટી સાઈઝની મૂર્તિઓ વેચાઈ રહેલ છે તેમ શ્રમિક નવઘણભાઈ પરમારે જણાવ્યુ હતુ. આ શ્રમજીવી પરિવારો દ્વારા પ્રારંભે દશામા બાદ વિઘ્નહર્તા ગણેશજીની મૂર્તિઓનું નવનિર્માણ કાર્ય હાથ ધરાશે. આ શ્રમિક પરિવારો તેમના આગવા હુન્નર અને કલા કૌશલ્યની આવડતના જોરે આત્મનિર્ભર બનીને સ્વમાનભેર જીવન જ્ઞાનિર્વાહ ચલાવી રહ્યા છે.