Get The App

દેવાંગ ચુડાસમા રોકાણકારને તેની જ રકમમાંથી 'વળતર' ચુકવતો હતો

- કંપની બનાવી, પરંતુ કોઈ બીઝનેશ ન કરતો

- કરોડોના કૌભાંડમાં વધુ ભોગ બનનારાઓએ નિવેદનો નોંધાવ્યાઃ એપ ડેવલોપરની પુછપરછ

Updated: Sep 22nd, 2019

GS TEAM

Google News
Google News
દેવાંગ ચુડાસમા રોકાણકારને તેની જ રકમમાંથી 'વળતર' ચુકવતો હતો 1 - image


રાજકોટ,  તા. 22 સપ્ટેમ્બર 2019, રવિવાર

ટેલીકોમ કંપનીના બેલેન્સમાં રોકાણમાં ઉંચા વળતરની લાલચ આપી કરોડોનું કૌભાંડ આચરવાના પ્રકરણના આરોપી દેવાંગ નિતિન ચુડાસમા વિરુદ્ધ ૬૫.૭૫ લાખની છેતરપીંડીની ફરિયાદ નોંધાતા તેની ધરપકડ કરી ક્રાઈમ બ્રાંચે હાલ ત્રણ દિવસના રિમાન્ડ પર લીધો છે. તેની સામે બીજા ઘણાં ભોગ બનનારાઓએ ક્રાઈમ બ્રાંચમાં નિવેદન આપી પોતાની સાથે પણ કરોડોની છેતરપીંડી કર્યાનું જણાવ્યું છે.

ક્રાઈમ બ્રાંચના સૂત્રોએ જણાવ્યા પ્રમાણે દેવાંગ વિરુદ્ધ એસીનું કામકાજ કરતા રવિન્દ્ર ઠાકરે ૮૦ લાખની, વાજીંગ રિપેરીંગનું કામકાજ કરતા જગદીશ ગંગારામાણીએ ૪૧ લાખની, ખાનગી નોકરી કરતા ધર્મેશ પિન્ટુ માટાએ ૨૨ લાખની, નાસ્તાનો ધંધો કરતા અક્ષય ભૂતે ૪૦ લાખની, ખમણનો ધંધો કરતા દર્શિત પોપટે ૧૫ લાખની, કાર લે-વેચનું કામ કરતા જયપાલ કોટીલાએ ૨૦ લાખની, ટેલીકોમનો ધંધો કરતા વીરપાલભાઈ કોટીલાએ ૩૬.૫૦ લાખની અને હિતેષ કોટીલાએ અંદાજીત ચારેક કરોડની છેતરપીંડી કર્યાના નિવેદનો લખાવ્યા છે. ક્રાઈમ બ્રાંચના સૂત્રોએ જણાવ્યું કે હિતેષ કોટીલાએ હાલ ચારેક કરોડનું નિવેદનમાં જણાવ્યું છે પરંતુ તેના મિત્ર સર્કલ, સગા સંબંધીઓ મળી બધાના કરોડો રૂપિયા ફસાયા છે.

આ ઉપરાંત બીજા જે-જે અરજદારોએ નિવેદનો લખાવ્યા છે તેમાં તેમના એકલાના નહીં પરંતુ સગા સંબંધીઓ અને મિત્રોના નાણા પણ ફસાયાનું કહ્યું છે. તમામ અરજદારોએ તેમના હસ્તકના જે જે લોકોના નાણાં ફસાયા છે તેનો સરવાળો નિવેદનમાં લખાવ્યો છે.

ક્રાઈમ બ્રાંચે દેવાંગને એપ ડેવલપ કરી આપનાર મિતેષભારતી ગોસ્વામી ઉપરાંત કંપની રજીસ્ટર કરાવી આપનાર મહિલા ઉપરાંત એક ચાર્ટડ એકાઉન્ટન્ટના પણ નિવેદનો નોંધ્યા હતા.

પોલીસે જણાવ્યું કે દેવાંગે કંપની તો બનાવી હતી પરંતુ તેમાં કોઈ ધંધો કરતો ન હતો. તે રોકાણકારોને ૪થી લઈ ૬ ટકા સુધીના વળતરની લાલચ આપી પોતાની કંપની અને ધંધામાં લાખો, કરોડો રોકાણ કરાવી બાદમાં તેમના જ નાણામાંથી તેમને વળતર ચુકવતો હતો.

આ રીતે તેણે ઘણાં સમય સુધી 'રોલીંગ' કરી અનેક રોકાણકારોને ઉંચા વળતરની લાલચ અને તેને શરૂઆતમાં ચુકવી શીશામાં ઉતાર્યા હતા. લોભીયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે તે ઉક્તિ તેણે સાર્થક કરી બતાવી હતી. આવતીકાલે તેનાં રિમાન્ડ પૂરા થઈ રહ્યા છે. જો કે તેણે કૌભાંડની રકમ ક્યાં ગઈ તે વિશે પોલીસને કોઈ માહિતી નહીં આપતા રોકાણકારોનાં નાણાં પાછા મળશે કે કેમ તે બાબતે સવાલ ચગ્યો છે.

Tags :