નવીન શાળા નોંધણી પ્રમાણપત્ર સુધારાની મુદત વધારવા માંગણી
- 25 વર્ષ બાદ થયેલ કામગીરીમાં પણ ક્ષતિ
- બોર્ડ દ્વારા તૈયાર કરેલ સર્ટીની ક્ષતિ માટે નિયમ ફી દુર કરવી જરૂરી
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માન્યતા પ્રાપ્ત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને નવિન શાળા નોંધણી પ્રમાણપત્રો મળ્યા છે. આ પ્રમાણપત્રોમાં ટ્રસ્ટના નામમાં સ્પેલિંગ એરર, સ્કૂલના નામમાં સ્પેલીંગ એરર, નંબરમાં એરર ઇત્યાદિ જેવી પ્રિન્ટીંગ ક્ષતિઓ છપાયેલ છે. ત્યારે આ શાળા નોંધણી પ્રમાણપત્રોની એરર સુધારણા માટે સમય અવધિ લંબાવવા અને શાળા પોતે આધાર સાથે જે સુધારા સુચવે તે પ્રમાણે સુધારા કરવા માંગણી કરાઇ છે. આ પ્રક્રિયાને ઓનલાઇન પણ કરી શકાય. વધુમાં આ પ્રમાણપત્રો બોર્ડ દ્વારા જ તૈયાર કર્યાં હોય અને પ્રિન્ટિંગ ક્ષતિઓ રહેવા પામી હોય, તો નવા સર્ટિફીકેટ માટે સ્કૂલ પાસેથી ૨૦૦ રૂા. કે ૧૦૦ રૂા. વસૂલવા યોગ્ય નથી. ઉપરોક્ત બાબતોને ધ્યાને રાખી યોગ્ય સમય મર્યાદા વધારવા તથા આવા સુધારા નિઃશુલ્ક કરવામાં આવે તેવી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે રજૂઆત કરી છે. આ નોંધણી પ્રમાણપત્ર વારંવાર નીકળતું નથી. ૨૫ વર્ષ બાદ આ કાર્ય થયું છે જેથી પ્રમાણપત્રમાં શાળા દ્વારા થયેલ ક્ષતિમાં જો કોઇ સુધારો હોય તો તે માટેની સુચનાઓ કરવામાં આવેલ છે જેમાં બોર્ડને સુધારા માટે તા.૩૦-૪ સુધીમાં મોકલવા જણાવાયું છે. જો કે, સંઘ દ્વારા સુધારણા માટે તારીખ લંબાવવા પણ માગણી કરાઇ છે.