સ્વરોજગાર લોન યોજના ફરી શરૂ કરવા બેરોજગાર યુવાનોમાં માંગ
- કોરોનાકાળમાં જરૂરીયાતમંદોને તેનો લાભ મળતો નથી
- ઉદ્યોગ ખાતાએ સુધારા વધારા કરવા માટે આર્શિવાદરૂપ યોજના સ્થગિત કરી
ધંધુકા, તા.9 જાન્યુઆરી 2021, શનિવાર
રાજય સરકાર દ્વારા બેરોજગાર યુવાનો અને યુવતીઓને સ્વરોજગારી મેળવવા માટેની લોન ઉપર સબસીડી આપવાની આર્શિવાદરૂપ યોજના ગત જુન ૨૦૨૦ થી એકાએક બંધ કરી દેવામાં આવતા લાભાર્થીઓમાં પ્રબળ આક્રોશ ભભૂકી ઉઠયો છે.
રાજય સરકાર દ્વારા ઘણા વર્ષોથી આ યોજના શરૂ કરાઈ હતી. જે યોજનાનો રાજયના હજજારો શિક્ષિત બેરોજગારોએ લાભ પણ મેળવ્યો હતો.અને લોન સબસીડીથી પગભર થયા છે.ત્યારે આ યોજનામાં સુધારા-વધારા કરવાના હેતુથી રાજય સરકાર દ્વારા જુન ૨૦૨૦ થી બંધ કરી દેવામાં આવી છે. જેનું અમલીકરણ તાત્કાલીક કરવામાં આવે તેવી માંગણી રાજયભરના બેરોજગાર યુવાનોમાં ઉઠવા પામેલ છે. બેન્કેબલ યોજના કે જેમાં રાજય સરકાર દ્વારા ચાલતી વાજપાયી શિક્ષિત બેરોજગાર યુવાનો અને યુવતીઓને બેન્ક દ્વારા લોન ભલામણ કરી લોન ઉપર સબસીડી આપવામાં આવતી હતી.જે યોજનાથી હજજારો શિક્ષિત બેરોજગાર યુવાનો તેનો લાભ મેળવીને પગભર થયા છે. જે યોજનામાં સુધારો વધારો કરવાના હેતુથી સને ૨૦૨૦ ના જુનથી બંધ કરી દેવામાં આવી છે. જેના કારણે કોરોનાની મહામારીના વિકટ સમયમાં રાજયભરના શિક્ષિત બેરોજગારોને તેનો લાભ મળતો નથી.
રાજયના તમામ જિલ્લા મથકોમાં જીલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં શિક્ષિત બેરોજગાર યુવકો અને યુવતીઓ લોન સબસીડી મેળવવા અરજી કરતા હતા. અને આ કેન્દ્રોના ઈન્સપેકટરો દ્વારા લોન અરજીના સાહિત્યની ચકાસણી કરી અરજદારના વિસ્તારની નજીકની બેન્કમાં અરજદારને લોન આપવા માટે ભલામણ કરવામાં આવતી હતી. બેન્ક દ્વારા ધંધા રોજગાર માટે લોન અપાયા બાદ બેન્ક દ્વારા લાભાર્થીની સબસીડી મેળવવા કલેઈમ ફોર્મ જે તે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને મોકલી કલેઈમ મંજુર કરી કેન્દ્ર દ્વારા જે તે બેન્કને સબસીડી લોન લેનારના ખાતામાં સીધી જમા થતી હતી.