વડોદ ગામની ઐતિહાસિક વાવને રાજ્ય રક્ષિત સ્મારક જાહેર કરો
- પુરાતન વિભાગ, સ્થાનિક તંત્ર કે સરકારના અન્ય ખાતાને સમારકામ કરવામાં કોઈ રસ નહીં
- આશરે 700 વર્ષ પહેલા એલ આકારમાં વાવનું નિર્માણ થયેલું, ઐતિહાસિક ધરોહરની જાળવણીમાં ખાટલે મોટી ખોટ
ગોહિલવાડમાં રાજા-રજવાડાના સમયમાં જળસંચય માટે આધુનિક ટેકનોલોજીને પણ આંટી મારે તેવી વિશાળ વાવોનું નિર્માણ કરાવવામાં આવતું હતું. દુષ્કાળના સમયમાં આવી વાવ ભગવાનના આશીર્વાદ સમાન બનવાની સાથે ભારતીય કલા-કારીગરીનો પરચો પુરી પાડતી હતી. જેની આજના સમયમાં પણ ગવાહી દેતી ઘણી વાવો જીવંત છે. પરંતુ કાળજી, રખરખાવ અને દુર્લક્ષ્યના ભોગે ઐતિહાસિક વાવો તેના વજુદ માટે મથી રહી હોવાનો એક જીવતો જાગતો નમૂનો ઉમરાળાના વડોદ ગામની વાવ છે. આશરે ૭૦૦ વર્ષથી વધારે પ્રાચીન અને ઐતિહાસિક સ્થાપત્ય ધરાવતી આ વાવ યોગ્ય જાળવણી અને સમારકામના અભાવે હાલ ખંડેર જેવી બની ગઈ છે. એલ આકારમાં નિર્માણ પામેલી ઐતિહાસિક વાવ ત્રણ માળની છે. ચોમાસાની ઋતુમાં આ વાવમાં જળસંચય થાય છે. તેમજ વાવથી ૧૦ ફૂટ છેટે ગાગરિયો નદી પણ આવેલી હોવાથી આજની સ્થિતિએ પણ વાવમાં પાણી ભરાયેલું જોવા મળે છે. ૧૦૦ ફૂટ ઊંડી અને ૩૫૦ ફૂટ પહોળાઈ ધરાવતી પૌરાણિક વાવની જાળવણી ન થવાથી ઘણી જગ્યાએ ઈંટોનું બાંધકામ ભાંગી ગયું છે. આ બાબતે વડોદ ગામના ગ્રામજનોએ ગત તા.૪-૧ના રોજ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી વર્તમાન સમયમાં જર્જરીત થઈ ગયેલી વાવની પુરાતત્વવિદ દ્વારા મુલાકાત લઈ યોગ્ય કામગીરી કરી વાવને રાજ્ય રક્ષિત સ્મારક જાહેર કરી તેની કાયમી જાળવણી તેમજ આ જગ્યાનો વિકાસ કરવાની માંગણી કરી છે. વધુમાં વડોદ ગામથી માત્ર પાંચ કિ.મી.ના અંતરે રાંદલ માતાજીનું પવિત્ર મંદિર આવેલું છે. અહીં વર્ષ દરમિયાન લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુ આવતા હોય, જો ઐતિહાસિક વાવની કાયાપલટ થાય તો લોકો તેની મુલાકાતે આવે, જેથી નવી પેઢી ઐતિહાસિક સ્થાપત્યથી અવગત થાય, પર્યટન સ્થળ બને તો સ્થાનિકોને પણ ધંધો-રોજગારી મળી શકે તેમ છે.
આ અગાઉ ગાંધીનગર અને રાજકોટ સ્થિત પુરાતત્વ વિભાગ, મુખ્યમંત્રી, જિલ્લા પંચાયતના ચેરમેન, ટીડીઓને આ મામલે રજૂઆત થઈ હતી. પરંતુ કોઈ જ પગલા લેવામાં આવ્યા નથી. ભાવનગરના સાંસદની રૂબરૂ મુલાકાત લેતા તેમણે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે તેવી હૈયાધારણાં આપી છે.
વાવની આબેહૂબ ડિઝાઈનવાળો ગામમાં કોઠો
એવું કહેવાય છે કે, જ્યારે દુષ્કાળ પડયો હશે ત્યારે આવ્યું હશે. સિહોરના રાજાએ કોઠાસુઝ સાથે વાવની આબેહૂબ ડિઝાઈનવાળો ગામમાં રક્ષણ કોઠો પણ નિર્માણ કરાવ્યો હતો. સ્થાનિકોના કહેવા મુજબ વાવ એલ આકારની છે અને તેવી જ ડિઝાઈનમાં ગામની અંદર કોઠો આવેલો છે. કોઠાની ઈંટો પણ વાવના નિર્માણમાં ઉપયોગ કરાયેલી ઈંટો જેવી છે. આ કોઠાના રક્ષિત રાખવા ગ્રામજનોએ સ્વખર્ચે બહારથી પ્લાસ્ટર કરાવ્યું છે. જેના કારણે કોઠાની હાલત તો સારી છે. પરંતુ વાવની જર્જરીત હાલત જોઈ શકાતી ન હોય, સરકાર-સરકારી વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી વાવને રાજ્ય રક્ષિત સ્મારક જાહેર કરવી જોઈએ તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી છે.
બાવનિયો દુષ્કાળ પડયો ત્યારે સિહોરના રાજાએ વાવનું નિર્માણ કરાવેલું
૭૦૦ વર્ષ પહેલા ગોહિલવાડમાં બાવનિયો દુષ્કાળ પડયો ત્યારે પીવાના પાણી માટેના અન્ય સ્ત્રોત ન હોવાથી સિહોરના રાજાએ જલમંદિર તરીકે ઓળખાતી આ વાવનું નિર્માણ કરાવ્યું હતું. આ વાવ સાથે ઐતિહાસિક સંસ્કૃતિ પણ દ્રશ્યમાન થાય છે. એ સમયમાં પાંચ ગામના લોકો આ વાવમાંથી પીવાનું પાણી ભરવા આવતા હતા. ઐતિહાસિક સંસ્કૃતિની ઝાંખી, સમન્વિત સંસ્કૃતિના જાળવણી કરતી વાવ સમારકામની રાહ જોઈ રહી છે. મુગલો સામે બાથ ભીડી બહેન-દીકરીઓ, ગૌમાતાની રક્ષાકાજે બલિદાન આપનારા શૂરવીરોના પાળિયા પણ આ વાવની દિવાલ પર જોવા મળે છે. ત્યારે પૌરાણિક વાવની જાળવણી કરવા ઘટતી કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ સાથે જિલ્લા સામાજિક ન્યાય સમિતિના ચેરમેને રાજ્યના પુરાતત્વ અને સંગ્રહાલય વિભાગને લેખિતમાં રજૂઆત કરી છે.