પોથીમાના રીંગણા : ધ્વનિ પ્રદુષણની સામે જાહેરનામુ
- વાયુ પ્રદુષણની વૈશ્વિક ચિંતા પણ જરૂરી કર્મનો અભાવ
- રાજકોટમાં સરેરાશ ૭૦ ડેસીબલ સુધીનો ઘોંઘાટઃ છકડો, હોર્નનું ડેસીબલમાં માપ પોલીસ લેતી નથી
રાજકોટ, તા. 24 ઓક્ટોબર 2020, શનિવાર
અન્ય શહેરોની જેમ રાજકોટમાં તાજેતરમાં પોલીસ કમિશનરે એક જાહેરનામુ બહાર પાડીને અવાજના પ્રદુષણ પર પ્રતિબંધ મુક્યો છે અને અવાજ કેટલો હોય તેનું પ્રમાણ જાહેર કર્યું છે પરંતુ, શહેરમાં ખુદ તંત્ર દ્વારા વાહનો વગેરેનું અવાજ માપીને પગલા લેવાતા નથી અને વધુ અવાજ કરતા છકડોરિક્ષાના સાયલન્સરથી માંડીને ટુ વ્હીલરો-કારના હોર્ન વગેરે અવાજોનું માપ પોલીસ લેતી નથી.
જાહેરનામા અનુસાર શહેરના શાંત વિસ્તારો (સ્કૂલ,હોસ્પિટલો વગેરે પાસે)માં દિવસના (સવારે ૬થી રાત્રે ૧૦ સુધી) મહત્તમ અવાજ ૫૦ ડેસીબલ , રહેણાંક વિસ્તારોમાં ૫૫, વાણિજ્ય વિસ્તારોમાં ૬૫ અને ઔદ્યોગિક વિસ્તારો માટે ૭૫ ડેસીબલની માત્રા નક્કી કરાઈ છે. રાત્રિના આ માત્રા ઘટીને ૪૦,૪૫,૫૫ અને ૭૦ હોય છે.
પરંતુ, ખુદ મનપાના સેન્સરોના રીડીંગ જોતા લગભગ તમામ ચોકમાં સરેરાશ ૬૯થી ૭૦ ડેસીબલનો અવાજ નોંધાય છે. આ સિવાય કોઈ માપ લઈને જાહેર કરાતું નથી. વાહનચાલકો શાંત કે ઔદ્યોગિક વિસ્તાર જોયા વગર કારણ વગર પણ હોર્ન વગાડતા રહે છે. પોલીસને માસ્ક અને હેલમેટ સિવાયના આવા નિયમભંગ નજરે પડતા નથી.
માત્ર ધ્વનિ પ્રદુષણ નહીં, વાયુ પ્રદુષણ પણ માત્ર કરવા ખાતરની વાતો જેવુ છે. શહેરમાં વાયુ પ્રદુષણ આંક (એર ક્વોલિટી ઈન્ડેક્સ) ૧૦૦ને પાર થયો છે. મનપા કચેરી સહિતના ચોકમાં ૧૦૦થી વધુ પ્રમાણ નોંધાય છે. આ માપ બાજુએ રાખીએ તો પણ ધૂળ, ધુમાડો નજરે પડે છે. પોલીસ કે આર.ટી.ઓ. કમસેકમ જે વાહનમાંથી ધુમાડો વધુ ઓકાય છે તેનું ચેકીંગ કરે તો પણ વાયુ પ્રદુષણ ઘટે તેમ છે પરંતુ, આમ સઘન રીતે થતું નથી. અનેક વાહનો પાસે પી.યુ.સી. જ હોતા નથી.
અવાજ અને વાયુનું પ્રદુષણ રોકવાનો એક ઉત્તમ માર્ગ મહત્તમ વૃક્ષો વાવવાનો છે પરંતુ મનપા ઘનિષ્ઠ વૃક્ષારોપણ કરે તો શહેરની બહાર કરે છે, શહેરમાં વૃક્ષો કપાય તો પણ કડક પગલા લેવાતા નથી અને નવા વૃક્ષો ખાસ કરીને મુખ્ય ધમધમતા માર્ગો પર વવાતા નથી.આમ, પ્રદુષણના નિયમો કાગળ ઉપરનો વાઘ બની ગયો છે જેનાથી કોઈને ડર રહ્યો નથી.