પરીક્ષાનો પેપર આપી નહાવા જતા બે વિદ્યાર્થીના ચેકડેમમાં ડૂબી જતા મૃત્યુ
- ગઢડા તાલુકાના રતનપર ગામે કરૂણાંતિકા સર્જાઇ
- બંને મૃતક વિદ્યાર્થીને ગઢડા રેફરલ હોસ્પિટલ ખસેડાતા લોકોના ટોળેટોળા ઉમટયા: ભારે આક્રંદ છવાયો
ભાવનગર, તા. 18 ઓક્ટોબર 2019, શુક્રવાર
ગઢડા તાલુકાના રતનપર ગામે પ્રા.શળામાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થી આજે બપોરે પરીક્ષનો પેપર આપી નહાવા માટે ગામ બહાર ચેકડેમમાં ગયા હતા તે વેળાએ ઉંડા પાણીમાં ગરકાવ થઇ જતા બંનેના કરૂણ મોત નિપજવા પામ્યા હતાં. દરમિયાન બંને મૃતક વિદ્યાર્થીને ગઢડા રેફરલ હોસ્પિટલ ખસેડાતા લોકોના મોટી સંખ્યામાં ટોળા ઉમટયા હતાં અને ભારે આક્રંદ છવાઇ જવા પામ્યો હતો.
બનાવની જાણવા મળતી સઘળી વિગતો અનુસાર બોટાદ જિલ્લાના અને ગઢડા તાલુકાના રતનપર ગામે રહેતા નાગરભાઇ પરમારનો ધોરણ-૮માં અભ્યાસ કરતો પુત્ર સુજલ (ઉ.વ.૧૩) અને હામાભાઇ સરૈયાનો ધો.૭માં અભ્યાસ કરતો પુત્ર રમેશ (ઉ.વ.૧૨) બંને આજે શુક્રવારે રતનપર પ્રા.શાળામાં ચાલતી પરીક્ષા દરમિયાન પોત પોતાનો પેપર આપી ગામ સીમમાં આવેલ ચેકડેમમાં બંને વિદ્યાર્થી નહાવા માટે ગયા હતા દરમિયાન ચેકડેમના ઉંડા પાણીમાં ગરકાવ થઇ જતા બંનેના ડૂબી જતા કરૂણ મોત નિપજવા પામ્યા હતાં.
ઘટનાની જાણ થતા સ્થાનિક તરવૈયાઓએ દોડી આવી ચેકડેમમાં જંપલાવી બંને મૃતક વિદ્યાર્થીના મૃતદેહ બહાર કાઢી પી.એમ. અર્થે ગઢડા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાતા લોકોના ટોળા ઉમટયા હતાં અને ભારે અરેરાટી સાથે આક્રંદ છવાઇ જવા પામ્યો હતો. જો કે, બપોરે બે કલાકે બનેલા બનાવથી ગઢડા પોલીસ અજાણ હોવાનું જાણવા મળ્યું હતું.