કજુરડાના પાટિયે અકસ્માતમાં દંપતી ખંડિતઃ પત્નીનું મોત
ખંભાળિયા-જામનગર હાઇ-વે પર
બાઇક ચાલકે દંપતીનાં એક્ટિવાને ટક્કર મારી
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રેલ્વે સ્ટેશન રોડ વિસ્તારમાં
રહેતા કાસમભાઈ તૈયબભાઈ ભાયા નામના ૫૯ વર્ષના આધેડ તેમના પત્ની ઝુલેખાબેનને સાથે
લઈને એકટીવા પર બેસીને જઈ રહ્યા હતા ત્યારે
ખંભાળિયા - જામનગર હાઈવે પર કજૂરડા ગામના પાટીયા પાસે પહોંચતા આ માર્ગ પર પૂરઝડપે
અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા એક અજાણ્યા મોટરસાયકલના ચાલકે કાસમભાઈ ભાયાના એકટીવા
સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો.
આ અકસ્માતમાં દંપતિ ફંગોળાઈ ગયું હતું અને કાસમભાઈના પત્ની
ઝુલેખા ભાયાને ગંભીર ઈજાઓ થતાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે પ્રૌઢને ઇજા
થઇ હતી. અકસ્માત સર્જીને આરોપી મોટરસાયકલ ચાલક નાસી છૂટયો હોવાનું જાહેર થયું છે.
આ બનાવ અંગે કાસમભાઈ ભાયાની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે અજાણ્યા મોટરસાયકલના સામે ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. આઈ.આઈ. નોયડા દ્વારા હાથ ધરવામાં આવી
છે.