તળાજાના પીથલપુર-ગોપનાથ રોડ પર અકસ્માતમાં દંપતીને ઈજા, પુત્ર ગંભીર
ઈકો અને બાઈક વચ્ચે ધડકાભેર અકસ્માત સર્જાયો
ગઢુલાનો પરિવાર મહુવાથી દવા લઈને ઘર આવી રહ્યો હતો
તળાજા: તળાજા તાલુકાના પીથલપુર-ગોપનાથ રોડ પર ઈકો કાર અને બાઈક વચ્ચે ધડકાભેર અકસ્માત સર્જાતા બાઈકમાં સવાર દંપતી અને તેમના પુત્રને ઈજા પહોંચી હતી. જે ત્રણેય ઈજાગ્રસ્તોની હાલત ગંભીર હોય, વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા હતા.
બનાવ અંગે ઉપલબ્ધ થતી પ્રાથમિક વિગત અનુસાર તળાજા તાલુકાના ગઢુલા ગામે રહેતા અશોકભાઈ ઘેલાભાઈ ભીલ (ઉ.વ.૪૦), તેમના પત્ની ભાવુબેન અશોકભાઈ ભીલ (ઉ.વ.૩૮) આજે ગુરૂવારે તેઓના આઠ વર્ષીય પુત્ર કલ્પેશની તબિયત સારી ન હોય, બાઈક લઈને મહુવા ખાતે પુત્રની દવા લેવા ગયા બાદ પરત ઘરે આવી રહ્યા હતા. ત્યારે સાંજના ૫-૩૦ કલાક આસપાસ પીથલપુર-ગોપનાથ રોડ પર રાજપરા ચોકડી નજીક પહોંચતા ઈકો અને બાઈક વચ્ચે જોરદાર અકસ્માત સર્જાતા પતિ-પત્ની અને પુત્રને લોહિયાળ ઈજાઓ પહોંચી હતી. જેઓને સારવાર અર્થે તળાજા રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવતા સ્થિતિ ગંભીર હોય, પ્રાથમિક સારવાર આપી ભાવનગર રિફર કરવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટનામાં માથાના ભાગે ઈજા થવાથી આઠ વર્ષીય બાળક કલ્પેશ કોમામાં સરી પડયો હોય, તેની સ્થિતિ અતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું.