દારૂના ધંધાર્થીને કોરોના પોઝીટીવ બે પોલીસમેન હોમ ક્વોરન્ટાઈન
- રાજકોટમાં ત્રીજો દારૂનો ધંધાર્થી કોરોના પોઝીટીવ નીકળ્યો
- ગાંધીગ્રામ-૨ પોલીસ મથકને સેનેટાઈઝ કરાયું
બીજા પીએસઓને પણ હવે ક્વોરન્ટાઈન કરાશે
રાજકોટ, તા. ૧૫ જુલાઈ, ૨૦૨૦, બુધવાર
શહેરના ગાંધીગ્રામ-૨ એટલે કે યુનિવર્સિટી પોલીસ મથકના સ્ટાફે પ્રોહીબીશનના ગુનામાં વોન્ટેડ આરોપી આરિફ ઈબ્રાહીમ સંધી (રહે. જંગલેશ્વર શેરી નંબર ૩૧) ને પકડી લીધા બાદ તેનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતાં હાલ બે પોલીસમેનોને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.
આ અગાઉ પ્ર.નગર પોલીસે કિટીપરામાંથી ઝડપી લીધેલી મહિલા બૂટલેગર ઉપરાંત એસઓજીએ અમદાવાદથી કબજે મેળવેલા પ્રોહીબીશનના આરોપીને કોરોના પોઝીટીવ આવતાં સંબંધીત પોલીસ સ્ટાફને હોમ ક્વોરન્ટાઈન એટલે કે હોટલમાં ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હતા.
શહેરમાં હવે ત્રીજા પ્રોહીબીશનનાં આરોપીને કોરોના પોઝીટીવ આવ્યો છે, પોલીસે જણાવ્યું કે આરિફ ગાંધીગ્રામ-૨ પોલીસ મથકનાં બે પેટી અંગ્રેજી દારૂનાં કેસમાં બે વર્ષથી વોન્ટેડ હતો.
તેને ગઈ તા.૧૨મીએ રાત્રે ઝડપી લેવાયા બાદ નિયમ મુજબ કોરોના ટેસ્ટ કરાવાયો હતો. જેનો ક્લિયર રિપોર્ટ નહીં આવતાં બીજી વખત ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જે આજે પોઝીટીવ આવતાં તેના સંપર્કમાં આવેલા ગાંધીગ્રામ-૨નાં હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા ઉપરાંત ડી-સ્ટાફનાં કોન્સ્ટેબલ કૃષ્ણસિંહ ગુમાનસિંહ ઝાલાને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત પીએસઓ ડયુટીમાં રહેલા પોલીસમેનોને ક્વોરોન્ટાઈન કરવાની વિચારણા ચાલી રહી છે. આજે ગાંધીગ્રામ-૨ પોલીસ મથકને સેનેટાઈઝ પણ કરવામાં આવ્યું હતું.