Get The App

કોરોના પોઝીટીવ બે રીઢા તસ્કરો સિવિલમાંથી ફરાર

- પોલીસે રવિવારે બપોરે જ સિવિલમાં દાખલ કરાવ્યા હતા

- રાત્રે જ ભાગી ગયા પરંતુ પોલીસને છેક સવારે જાણ થઈ

Updated: Jul 27th, 2020

GS TEAM

Google News
Google News
કોરોના પોઝીટીવ બે રીઢા તસ્કરો સિવિલમાંથી ફરાર 1 - image


રાજકોટ, તા. 27 જુલાઈ, 2020, સોમવાર

શહેરની સિવિલ હોસ્પિટલનાં કોવીડ સેન્ટરમાંથી ગઈકાલે ચોટીલાનાં કોરોના પોઝીટીવ બે રીઢા તસ્કરો હરસુખ ઉર્ફે પોપટ શંભુ વાજેલીયા અને વિક્રમ ઉર્ફે વિકીડો મસા વાજેલીયા ભાગી જતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ બંને તસ્કરો ગઈકાલે રાત્રે કોઈ પણ સમયે ભાગ્યાનું મનાય છે. જેની જાણ આજે સવારે પોલીસને થઈ હતી. 

 મૂળ ચોટીલાનાં અને હાલ મોરબી રોડ પર જૂના જકાતનાકા પાસે ઝૂંપડીમાં રહેતાં રીઢા તસ્કરો હરસુખ અને વિક્રમને ત્રણેક દિવસ પહેલાં ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધા હતા ત્યારે બંનેએ ઈન્ડસ્ટ્રીયલ એરીયામાં સ્થિત કારખાનાઓ અને ત્યાં આવેલી શ્રમિકોની ઓરડીઓને નિશાન બનાવ્યાની કબૂલાત આપી હતી. 

જેમાંથી ત્રણેક ગુના કુવાડવા પોલીસમાં નોંધાયા હોવાથી તેનાં સ્ટાફને ક્રાઈમ બ્રાંચે બે દિવસ પહેલાં જ કબજો સોંપી દીધો હતો. નિયમ મુજબ કુવાડવા પોલીસે તત્કાળ બંનેના કોરોના ટેસ્ટ કરાવ્યા હતા. જેના રિપોર્ટ ગઈકાલે બપોરે પોઝીટીવ હોવાનું જાહેર થતાં પોલીસે ૧૦૮માં મોકલી સિવિલનાં કોવીડ સેન્ટરમાં દાખલ કરાવી દીધા હતા. જ્યાંથી બંને ગઈકાલે રાત્રે ભાગી ગયા હતા. 

જે અંગે આજે સવારે સિક્યુરિટી જવાનોએ પોલીસને જાણ કરી હતી. પરંતુ ઘણી મોડી જાણ થઈ હોવાથી તત્કાળ પોલીસ કયાં ભાગી ગયા તે શોધી શકી ન હતી. પોલીસ હવે આ બંને સામે જો સિવિલનાં કોઈ અધિકારી ફરિયાદ આપશે તો એપેડેમીક એક્ટ હેઠળ ગુનો નોંધશે. 

ઉલ્લેખનીય છે કે, ક્રાઈમ બ્રાંચનાં પીએસઆઈ ધાંધલ્યા અને બીજા પોલીસમેન કે જેની ટીમે આ બંને તસ્કરોને પકડયા હતા તેઓ પણ કોરોના પોઝીટીવ જાહેર થયા છે. બંને તસ્કરો કુવાડવા પોલીસ મથકમાં હતા, પરંતુ ત્યાંના એક આરોપીને કોરોના પોઝીટીવ આવતાં આ બંને તસ્કરો સાથે કુવાડવા પોલીસે સોશ્યલ ડિસ્ટન્સિંગ રાખી ડીલ કર્યું હોવાથી તેનાં સ્ટાફને ક્વોરન્ટાઈન થવું નહીં પડે. આ બંને તસ્કરોને કારણે ક્રાઈમ બ્રાંચના સ્ટાફને કોરોના લાગ્યો કે ક્રાઈમ બ્રાંચના સ્ટાફને કારણે આ બંનેને કોરોના થયો તે હવે ચર્ચાનો-તપાસનો અને અનુમાનનો વિષય છે.

Tags :