કોરોના તો કંટ્રોલ ન થઈ શક્યો, હવે મોતના આંકડા કંટ્રોલ કરાશે!
- રાજકોટ શહેરમાં દર્દીના નામ જાહેર, જિલ્લામાં છુપાવવાની નીતિ!
- રાજકોટ જિલ્લા તંત્રે કૂલ મોતની વિગતો દૂર કરી તો મનપા માત્ર સાંજે વિગતો જાહેર કરશે અને તેમાં મોતની વિગત નહીં!
રાજકોટ, તા. 9 જુલાઈ, 2020, ગુરૂવાર
મહાપાલિકા તથા સરકારી તંત્રના પ્રયાસો બાદ કોરોના કાબુમાં આવ્યો નથી. બલ્કે હાલ અનલોક-૨માં છૂટછાટો અને ચોમાસુ હવામાનમાં કોરોનાના કેસો અનેકગણા વધી ગયા છે. પરંતુ, કોરોના કંટ્રોલ નહીં થયા બાદ હવે સરકારી તંત્ર કોરોનાથી મૃત્યુ થવાના કેસોની સંખ્યા કંટ્રોલ કરી રહ્યાના નિર્દેશ મળ્યા છે.
રાજકોટ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કોરોનાથી જિલ્લામાં મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા જાહેર કરવાનંે બંધ કર્યું છે. આ અંગે સૂત્રોએ જણાવ્યું કે સરકારની સૂચના મૂજબ હવે કોરોના પોઝીટીવ દર્દીનું મૃત્યુ થાય એટલે તબીબોની ડેથ ઓડિટ કમિટિ તેનું કારણ ચકાસશે અને અન્ય કારણથી મૃત્યુ થયું કે નહીં તે જોઈને જાહેર કરે તે જ કોરોનાથીમૃત્યુ થયાનું ગણાશે.
રાજ્યભરમાં એ વાસ્તવિકતા છે કે ડાયાબીટીસ, બી.પી. વગેરે ગંભીર બિમારી ધરાવતા અને મોટી ઉંમરના કોરોનાના દર્દીના મૃત્યુ જ વધારે થાય છે. આમ, આ મૃત્યુ અન્ય રોગના કારણે નહીં પણ અન્ય રોગની સાથે કોરોના થયો તેથી થયા છે ત્યારે કોરોના પોઝીટીવ દર્દીના મૃત્યુને કોરોનાથી થયેલું મૃત્યુ ગણવાને બદલે ઉપરોક્ત વ્યવસ્થાથી સવાલો જાગ્યા છે. વળી, કોરોના પોઝીટીવ દર્દીનું મૃત્યુ થયા બાદ તેની અંતિમક્રિયા તો આ મહામારીથી મૃત્યુ થયું છે તેમ માનીને જ કરાશે!
આજે રાજકોટમાં બે દર્દીના મૃત્યુ થયાનુ કહેવાય છે પરંતુ, મનપાએ આ મૃત્યુની વિગત તો જાહેર નથી કરી પણ આજ સુધી કોરાનાથી મૃત્યુ આંક કેટલો તે જાહેર કરાતો તેના પર પણ પડદો પાડી દીધો છે. એટલું જ નહીં, મહાપાલિકાએ કોરોનાના પોઝીટીવ કેસોની સંખ્યા સાંજે એક જ વાર જાહેર કરવા નિર્ણય લીધો છે.
બીજી તરફ, રાજકોટમાં જ એક તરફ મનપા કોરોનાના દર્દીના નામ,સરનામા સહિત પૂરી વિગતો જાહેર કરતી રહે છે અને તેનો હેતુ એ છે કે જે તે વિસ્તારના લોકો દર્દીના સંપર્કમાં આવ્યા હોત તો જરૂરી સારવાર કરાવી શકે. પરંતુ, રાજકોટ જિલ્લા આરોગ્ય તંત્ર તેમજ સૌરાષ્ટ્રના અન્ય કેટલાક જિલ્લાઓમાં પણ દર્દીના નામ જાહેર જાહેર કરાતા નથી.
આ પહેલા સ્વાઈન ફ્લુ ફેલાયો ત્યારે મહાપાલિકા અને જિલ્લા તંત્રો સ્વાઈન ફ્લુના કેસોની વિગતો જાહેર કરતા પણ હાલ તે વિગતો જ જાહેર કરવાનું બંધ કર્યું છે એટલું જ નહીં, ગત વર્ષથી જ સ્વાઈન ફ્લુને સીઝનલ ફ્લુ તરીકે જ ગણવાનું શરૂ કરી દેવાયું છે.