ભાવનગર: રોજબરોજની વપરાશની વસ્તુઓમાં થતી ભેળસેળ સામે ગ્રાહક જાગૃતિ જરૂરી
ભાવનગર, તા. 12 નવેમ્બર 2019, મંગળવાર
બજારમાં મળતી વસ્તુઓમાં થતી વિવિધ ભેળસેળ ઉપભોકતાને માત્ર આર્થિક નુકશાન જ નહીં ઘણીવાર મોતના મુખમાં ધકેલતા રોગોના ભોગ પણ બનાવી શકે છે. શુદ્ધ વસ્તુનો જ ઉપયોગ કરવો તે જરૂરીની સાથે અધિકાર પણ છે પરંતુ આવી શુદ્ધતા ચકાસવાનો હાલ કોની પાસે સમય છે. રૂપકડા પેકીંગમાં આવેલ વસ્તુ ઓરીજનલ માની ઉપયોગ કરાય છે. જેના નબળા પરીણામો ઉપભોકતાને ભોગવવા પડે છે.
બજારમાં મળતી તમામ વસ્તુઓ શુદ્ધ જ હોય તે જરૂરી નથી તેની સામે ભેળસેળ યુક્ત હોવાની સંભાવનાો વધી જવા પામી છે. વિવિધ પ્રકારની ખાદ્યવસ્તુઓમાં આ ભેળસેળ સરળતાથી થઈ શકે છે. બાજરીની વાત થાય તો ચીણો ભેળવેલો હોય, ચોખામાં પથરીની ભેળસેળ હોય, જ્યારે બાજરી પાણીમાં નાખવાથી બાજરીના દાણા પાણીમાં નીચે બેસી જશે જ્યારે ચીણો ઉપર તરશે. ચોખાને પાણીમાં નાખી ગોળ ગોળ ફેરવી તારવી લેવાથી પથરી નીચે બેસી જાય છે.
આમ ઘરગથ્થુ નુસ્કા દ્વારા પણ દુધનું દુધ અને પાણીનું પાણી કરી શકાય. ખાંડ અને બુરામાં લોટની ભેળસેળ હોય છે. દળેલી ખાંડમાં આયોડીનનું ટીપુ મુકતા જાંબલી રંગ બને તો લોટ હોવાની શક્યતા છે. દળેલી ખાંડમાં પાણી નાખી ઘોળો લીટમસ પેપર ડુબાડવાથી જો પેપર લાલ થઈ જાય તો તેમાં સોડા ભેળવાયો હોવાનું જાણી શકાય છે. જીરામાં ઘાસના બીજ અને કોલસાની ભુકીની ભેળસેળ હોય છે. ઘીમાં વનસ્પતિ ઘી, ચરબી, મીણ જેવી વસ્તુઓની ભેળસેળ હોય છે.
કોફીમાં ચીકોરીની ભેળસેળ હોય છે. ઠંડા પાણીમાં ઉપર તરી આવે તે કોફી છે અને નીચે બેસી જાય તે ચીકોરી હોય છે. આવી જ ભેળસેળ મધમાં પણ હોય છે. મધમાં આલ્કોહોલ નાખવાથી દુધ જેવો સફેદ રંગ થાય તો તે ચોખ્ખુ મધ સમજવું. આમ જ કેસરમાં રંગેલા મકાઈના રેસાની પણ ભેળસેળ થઈ શકે છે. જેની ખાત્રી કરવા અસલ કેસર સહેલાથી તુટતુ નથી તો બનાવટી કેસર સહેલાઈથી તુટી જતુ હોય છે. માવાની બનાવટમાં સ્ટાર્ચ અને બાફેલા બટેટાની ભેળસેળ હોય છે.
આમ ઘણીવાર વાહનોમાં વધુ પડતા ધુમાડા નિકળતા પેટ્રોલમાં કેરોસીનની ભેળસેળની સંભાવના રહે છે. ફીલ્ટર પેપર ઉપર પેટ્રોલના ટીપા મુકવાની ધાબા પડે તો કેરોસીનનો ભાગ સમજવો. જોકે આ તમામ ભેળસેળ યુક્ત વસ્તુઓથી ગ્રાહકને આર્થિક નુકશાની તો થાય જ છે પરંતુ ખાદ્ય પદાર્થમાં થતી કેટલીક ભેળસેળ મહામારીનું કારણ બનતું હોય છે. આમ અનેક વસ્તુઓમાં ભેળસેળ છે કે કેમ તે ચેક કરવા વૈજ્ઞાનિક અને ઘરગથ્થુ નુસ્ખા અપનાવી ખાત્રી કરી શકાય છે. પરંતુ હાલના ઝડપી યુગમાં આ તપાસ કરવાનો સમય જ કોઈ પાસે નથી અને સીધો જ વપરાશ કરાય છે. જેના ગંભીર પરિણામો ભોગવવા રહ્યા.