Gujarat

ભાવનગર જિલ્લાના કોંગ્રેસ અગ્રણી NCPમાં જોડાયા

By GS Team
25 Jan 20202 mins read
This article was originally published on 25 Jan 2020
ભાવનગર જિલ્લાના કોંગ્રેસ અગ્રણી NCPમાં જોડાયા

ભાવનગર, તા. 25 જાન્યુઆરી 2020, શનિવાર

ભાવનગર જિલ્લાના એક કોંગ્રેસ અગ્રણી આજે શનિવારે એનસીપીમાં જોડાય ગયા હતા અને એનસીપી અગ્રણીઓએ તેમને ખેસ પહેરાવ્યો હતો. એનસીપીમાં જોડાયેલા કોંગ્રેસ અગ્રણીએ કોંગ્રેસના પક્ષના કેટલાક અગ્રણી સામે ગંભીર આક્ષેપ કર્યા હતા અને લાયકાતવાળા કાર્યકરને ટિકીટ આપવામાં આવતી નથી, ગમે તેને ટિકીટ આપી દેવામાં આવે છે.

ભાવનગર શહેરના સિદસર ખાતે આવેલ સરદાર પટેલ માધ્યમિક સ્કૂલ ખાતે આજે શનિવારે સવારે કોંગ્રેસ અગ્રણી અને ભાવનગર માર્કેટીંગ યાર્ડના પૂર્વ ચેરમેન ભીખાભાઈ જાજડીયાએ કાર્યક્રમનુ આયોજન કર્યુ હતુ, જેમાં  એનસીપી અગ્રણી શંકરસિંહ વાઘેલા, બબલભાઈ પટેલ વગેરે હાજર રહ્યા હતાં. આ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ અગ્રણી ભીખાભાઈ જાજડીયા એનસીપીમાં જોડયા હતા અને એનસીપી અગ્રણીઓએ તેઓને ખેસ પહેરાવી સ્વાગત કર્યુ હતું.

આ અંગે એનસીપીમાં જોડાયેલ ભીખાભાઈનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યુ હતુ કે, એનસીપીમાં તેઓને સૌરાષ્ટ્ર ઝોન કન્વીનરની ભૂમીકા આપવામાં આવી છે અને સ્વતંત્ર રીતે કામગીરી કરવાની વાત થઈ છે. એનસીપીના શરદ પવારને મળ્યા બાદ તેઓ પક્ષમાં જોડાયા છે અને ખેડૂત સહિતના પ્રશ્ને કામગીરી કરવામાં આવશે. 

ભીખાભાઈએ ભાવનગરના કોંગ્રેસ અગ્રણીઓ સામે ગંભીર આક્ષેપ કર્યા હતા અને કેટલાક અગ્રણીઓ દ્વારા કાર્યકરોને અન્યાય કરવામાં આવે છે. ચૂંટણીની ટિકીટ સમયે લાયકાત જોવામાં આવતી નથી અને અગ્રણીઓના માનીતાઓને ટિકીટ, પદ આપવામાં આવે છે. કોંગ્રેસમાં સ્વતંત્ર રીતે કામ કરી શકતો નથી તેથી એનસીપીમાં જોડાયો છુ અને સ્વતંત્તર રીતે કામગીરી કરીશ. મહાપાલિકા, વિધાસનભા, લોકસભાની ચૂંટણીમાં તેઓને ટિકીટ ફાળવવાની પણ સ્વતંત્રતા આપવામાં આવી હોવાનુ તેઓએ જણાવ્યુ હતું.