બોર્ડની પરીક્ષા પુર્ણ અને ધો. 11 સાયન્સમાં પ્રવેશનો વેપલો શરૂ
ભાવનગર, તા. 20 માર્ચ 2019, બુધવાર
ધો. ૧૦ની પરીક્ષાઓ ગઈકાલે પુર્ણ થઈ અને પરીણામ હજુ આવ્યું નથી ત્યાં ધો. 11માં મનઘડત એન્ટ્રેન્સ ટેસ્ટ લઈ મેરીટ બનાવી ફીની રોકડી કરી લેવાની ગેરપ્રવૃત્તિ બેધડક રીતે ચલાવાઈ રહી છે અને શિક્ષણ તંત્ર ખુલ્લી આંખે તમાશો જોઈ રહ્યું છે ત્યારે યોગ્ય પગલા ભરવા દબાયેલા વાલી વર્ગમાંથી માંગ ઉઠવા પામી છે.
ચોક્કસ પણે રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના વિસ્તાર વિકાસ માટે અનુદાન વગરની સ્વનિર્ભર શાળાઓને સ્વાયતતા આપવી જરૂરી છે. પરંતુ અપાયેલ સ્વાયતતાનો દુરઉપયોગ કરી નિયમો કોરાણે મુકે અને આડકતરી રીતે વેપારની નીતિ અપનાવાય ત્યારે નિયંત્રણ પણ જરૂરી બની જાય છે.
તાજેતરમાં ધો. 10ની પરીક્ષાઓ પુર્ણ થઈ છે. દરમિયાન છેલ્લા પાંચેક દિવસથી એટલે કે શરૂ પરીક્ષાએ ધો. 11માં પ્રવેશ પ્રક્રિયા ચોક્કસ શાળાઓ દ્વારા શરૂ કરી દીધી જોકે પરીણામ પૂર્વે પ્રવેશ કાર્યવાહી ગેરકાયદેસર બને છે. જે-તે ખાનગી શાળાઓમાં એટલી હદે જાણે સ્પર્ધા થાય છે કે રૂપકડા નામો અને સ્કોલરશીપની લાલચે પોતાની રીતે પ્રસ્નપત્રો બનાવી સેમીનાર ગોઠવી એન્ટ્રેન્સ ટેસ્ટ લઈ તેના મેરીટના આધારે પ્રવેશ કાર્યવાહી હાથ ધરાઈ રહી છે.
હોશિયાર વિદ્યાર્થીઓને પોતાની શાળામાં ખેંચવા રીતસર હોડ લાગી છે. પ્રવેશની આવડી મોટી ગેરકાયદેસર થતી પ્રક્રિયા સામે જિલ્લા શિક્ષણાધિકારી દર વર્ષે પરીપત્ર કરી જાણે સંતોષ માની લે છે જ્યારે સમગ્ર હકિકતથી વાકેફ હોવા છતાં નક્કર પગલા લેવામાં તંત્ર વામણું પુરવાર થયું છે. ગત વર્ષોમાં પણ આવી ગેરરીતિ આચરાઈ હતી અને નોટીસો બજવાઈ હતી પણ ઘડપણ આવે તો પણ ગુલાટ મારવાનું ભુલાય થોડું હાલમાં નવ નિયુક્ત ડીઈઓ આ બદીને દુર કરે તેવી મોટી આશા વાલીવર્ગ સેવી રહ્યો છે. તો આ ઉપરાંત વિદ્યાર્થીના હિતમાં કાયમ બોલનારા વિદ્યાર્થી યુનિયનો અને સામાજિક સંસ્થાઓએ પણ આવી બોગસ પધ્ધતી સામે અવાજ ઉઠાવવો રહ્યો.
ફિ નિયંત્રણ કરવા સરકારે ધમપછાડા કર્યા, દફતરનું ભારણ હળવું કરવા પરીપત્રો કર્યા પણ આ બેલગામ ઘોડા જેવી સ્વનિર્ભર શાળાઓને નિયંત્રણમાં રાખવી અનિવાર્ય બની છે. બોર્ડની પરીક્ષાના પરીણામ બાદ તેની ટકાવારીના આધારે પ્રવેશ અપાય તો વ્યાજબી લેખી શકાય પરંતુ બોર્ડની પરીક્ષાનું પરીણામ જે આવે તે પોતાની એન્ટ્રેન્સ ટેસ્ટમાં સારા માર્ક્સ આવે અને મેરીટમાં આવે એટલે પ્રવેશ સહિત સ્કોલરશીપનું બોનસ પણ અપાય બોર્ડની પરીક્ષા માત્ર પાસ થવા પુરતુ મર્યાદીત કરી દેવાની હીન પ્રવૃત્તી શિક્ષણમાં રહી હોવાનું જણાય છે. બોર્ડ દ્વારા પરીક્ષાપૂર્વે જિલ્લા કલેકટર, પોલીસ, શિક્ષણ સહિતના વિભાગો અનેક મથામણ કરી લાખો- કરોડોના ખર્ચે પરીક્ષા યોજે છે પણ આવી કેટલીક ખાનગી શાળાઓએ બોર્ડની પરીક્ષાની વેલ્યું જાણે લારીના ભાવે કાઢી હોવાનું જણાય છે.