ખંભાળિયામાં મફતમાં માલ પડાવી લેતા ચાર લુખ્ખાઓ સામે ફરિયાદ
નશો કરી ગાળો ભાંડે, મારી નાખવાની ધમકી આપે
રોજના મહાત્રાસથી કંટાળેલા વેપારીઓએ પોલીસના શરણે જઈ રજુઆત કરતા તમામ સામે થઈ કાર્યવાહી
જામખંભાળિયા: અહી બેઠક રોડ ઉપર આવેલી નવી લોહાણા મહાજન વાડી નજીક દુકાન ધરાવતા અને વેપાર ધંધો કરતાઅનાજ કરિયાણાના વેપારીઓ પાસેથી મફત માલ સામાનની માંગણી કરી, અવારનવાર નશો કરીને આવી ચડતા પીધેલા શખ્સો દ્વારા હેરાનગતિ કરવામાં આવતા અહીંના પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયામાં રહેતા અને નવી લોહાણા મહાજન વાડી સામે પ્રાચી એન્ટરપ્રાઇઝ નામના નામની દુકાન ધરાવતા હિતેશભાઈ બાલુભાઈ ચોપડા નામના ૩૪ વર્ષના વેપારી યુવાન દ્વારા પોલીસમાં લખાવેલી વિગત મુજબ આ જ વિસ્તારમાં રહેતા મનોજ કિશોર દેવીપુજક, રવિ વજુ દેવીપુજક, લાલો ગડીવારો દેવીપુજક અને ગોપી બકા પાનવારો નામના શખ્સો દ્વારા અવારનવાર તેમની તથા તેમની આજુબાજુમાં આવેલી અન્ય દુકાનોમાં આવી બિભત્સ ગાળો કાઢી મફતમાં માલ પડાવી લેતા હતા.આ ઉપરાંત મફતમાં માલસામાન નહી આપો તો ટાંટિયા ભાંગી નાખીશું તેમ કહી અવારનવાર ધાકધમકી આપવામાં આવતી હતી.જો પોલીસ ફરિયાદ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાનું પણ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે ગુનો નોંધી, આરોપીઓની અટકાયત કરી હતી.