કોલેજ બંધના એલાનને મળી આંશીક સફળતા : તમામ ભવનો રાબેતા મુજબ
- એન.એસ.યુ.આઇ. અને શહેર યુવા કોંગ્રેસે આપેલ
- બિનસચિવાલય પરીક્ષાની ગેરરીતિ મામલે પરીક્ષા રદ કરવાની માગ : સર પી.પી. કોલેજ સામે સુત્રોચ્ચાર થયા
ભાવનગર, 07 ડીસેમ્બર 2019 શનિવાર
બીનસચિવાલય વર્ગ-૩ની પરીક્ષામાં વ્યાપક ગેરરીતિના મામલે ઉમેદવારોમાં ભારે ગોકીરા બાદ આજે એન.એસ.યુ.આઇ. અને શહેર યુવા કોંગ્રેસ દ્વારા કોલેજ બંધનું એલાન કર્યું હતું જેના ભાગરૂપે આજે કેટલીક કોલેજો શરૂ રહી હતી તો કેટલીક બંધ કરાવાઇ હોવાનું જણાયું હતું.
બિનસચિવાલય વર્ગ-૩ની ભરતીની લેખિત પરીક્ષામાં જુદા જુદા સેન્ટરો પર થયેલ ગેરરીતિના વીડિયો ફુટેજ લીક થતા અને પેપર ફુટી જવાના આક્ષેપ સાથે શહેર-જિલ્લા ઉપરાંત રાજ્યના ઉમેદવારોમાં ઉહાપો મચી જવા પામ્યો હતો અને એક તબક્કે આ અસંતુષ્ટ ઉમેદવારો મોટી સંખ્યામાં સતત બે દિવસ ગાંધીનગર હાઇપ્રોફાઇલ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને આ પરીક્ષા રદ કરવાની ઉગ્ર માગણી કરી હતી.
જે મામલે સરકારે મંત્રણા કરી ગેરરીતિઓના તથ્યોને તપાસી કસુરવારો સામે એક્શન લેવા સ્પેશ્યલ કમિટિની નિમણૂક કરી દિવસ ૧૦માં અહેવાલ આપવાનું નક્કી થયું હતું અને દરમિયાન આ અસંતુષ્ટ ઉમેદવારોના જૂથમાં બે ફાટા પડયા હતાં જેમાં એક જૂથ પરીક્ષા રદ કરવાના આગ્રહને વળગી રહ્યું હતું જેના સમર્થનમાં આજે એન.એસ.યુ.આઇ. અને શહેર યુવા કોંગ્રેસ દ્વારા યુનિવર્સિટી સંલગ્ન કોલેજ બંધનું એલાન આપ્યું હતું.
આજે સવારે મોટાભાગની કોલેજો શરૂ તો હતી પરંતુ વિદ્યાર્થીઓની હાજરી પાંખી જણાઇ હતી તો કેટલીક કોલેજોએ સ્વયંભુ બંધને સમર્થન આપ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે. એક તબક્કે સર પી.પી. સાયન્સ કોલેજ, શામળદાસ આર્ટસ કોલેજ, સરદાર પટેલ શરૂ હોવાનું જણાતા બંને સંગઠનના સભ્યો કોલેજ બંધ કરાવવા પહોંચ્યા હતાં અને સરકારની નીતિ રીતિનો વિરોધ નોંધાવી સુત્રોચ્ચાર કર્યા હતાં જ્યાં કેટલાક આગેવાનોની અટક કરાઇ હતી. આમ કોલેજોમાં બંધને આંશીક સફળતા સાપડી હતી. જ્યારે યુનિવર્સિટીના તમામ ભવનો રાબેતા મુજબ શરૂ રહ્યાં હતાં અને કોલેજો રાબેતા મુજબ શરૂ હોવાની વાતને યુનિવર્સિટીના સુત્રોએ પણ પુષ્ટી આપી હતી.