ભાવનગરમાં કોલ્ડવેવની આગાહી, તાપમાનમાં ૫થી 6 ડિગ્રીનો કડાકો
- મંગળવાર સુધી કોલ્ડવેવની આગાહીને કારણે તાપમાન સિંગલ ડિજિટમાં પહોંચી શકે
- ટાઢાબોળ પવનથી ઠંડીના વધુ એક નવો રાઉન્ડ શરૂ થયો, એક સપ્તાહ બાદ લોકોને દિવસે પણ ગરમ વસ્ત્રો પહેરવાની નોબત આવી
કમોસમી માવઠાં બાદ હાડથીજાવતી ઠંડી પડવાની પહેલેથી જ આગાહી થઈ ચુકી હતી. જેના પગલે ભાવનગરમાં પણ રવિવારથી મંગળવાર સુધી કોલ્ડવેવની હવામાન વિભાગે આગાહી કરી છે. આ આગાહીના પગલે ટાઢાબોળ પવનથી ઠંડીનો વધુ એક નવો રાઉન્ડ શરૂ થયો હોય તેમ રાત્રિથી જ ઠંડીનું પ્રભુત્વ વધ્યું હતું. રાત્રે કડકડતી ઠંડીના પગલે ૨૪ કલાકમાં લઘુતમ તાપમાનનો પારો ૪.૯ ડિગ્રી ગગડીને ૧૫.૩ ડિગ્રીએ થંભ્યો હતો. જ્યારે રવિવારની રજામાં દિવસ દરમિયાન પણ ટાઢાબોળ પવનને કારણે ઠંડીનું પ્રભુત્વ રહેતા મહત્તમ તાપમાન ૬.૬ ડિગ્રી ઘટીને ૨૨.૮ ડિગ્રીએ પહોંચી ગયું હતું.
ઉલ્લેખનિય છે કે, હવામાન વિભાગે રવિવારથી મંગળવાર સુધી ત્રણ દિવસ ભાવનગરમાં કોલ્ડવેવની આગાહી કરી છે. જેના કારણે ઠંડીનો પારો સિંગલ ડિજિટમાં ૯ ડિગ્રી સુધી પહોંચી શકે તેવી સંભાવના વ્યક્ત કરાઈ હોય, શહેરીજનોને આગામી બે દિવસ કડકડતી ઠંડીમાં પસાર કરવા પડી શકે છે.