અલંગ ઉદ્યોગ પર સંકટના વાદળો, માત્ર 38% પ્લોટમાં જ કામ શરૂ
ભાવનગર, તા. 20 નવેમ્બર 2019, બુધવાર
વિશ્વ વિખ્યાત અલંગ શિપબ્રેકીંગ યાર્ડ અત્યારે કપરા સમયમાંથી પસાર થઈ રહ્યો છે. સવા દાયકા બાદ અલંગમાં ભયંકર મંદીનું મોજું ફરી વળતા સંકટના વાદળોએ આ ઉદ્યોગને ઘેરી લીધો છે. અગાઉના વર્ષોમાં વર્કિંગ પ્લોટોની સંખ્યા જે 100ની હતી. તે અડધો અડધ ઘટીને 50 માંડ રહી છે. એટલે કે અલંગમાં અત્યારે માંડ ૩૮ ટકા પ્લોટમાં જ કામ શરૂ છે. અલંગમાં મંદીને કારણે સ્થાનિક અને પરપ્રાંતિય મજૂર પરિવારોને પણ કફોડી સ્થિતિમાંથી પસાર થવું પડી રહ્યું છે.
અલંગ-સોસિયા શિપબ્રેકીંગ યાર્ડમાં આખરી મંજીલે આવતા જહાજોની સંખ્યા ઘટી ગઈ છે. શિપ ભાંગવાની કામગીરીને મંદીનો કાટ ચડી જવાને કારણે અલંગમાં આવેલા 131 પ્લોટ પૈકીના માંડ 38 ટકા પ્લોટમાં હાલ કામકાજ શરૂ છે. એક સમયે વર્કિંગ પ્લોટની સંખ્યા 100 જેટલી રહેતી હતી. તેની તુલનામાં અત્યારે માંડ 50 પ્લોટ જ ધમધમી રહ્યા છે. અલંગમાં મંદીનું કારણ ડિમાન્ડનો અભાવ છે.
આ ઉપરાંત અલંગ નીચેના રોલીંગ મીલ, ફર્નસમાં સ્ટીલની ઓછી માગને કારણે માલના ભરાવા સામે માલ વેંચાવાની સંખ્યામાં ઘટાડો છે. જ્યારે ઈન્ટરનેશન માર્કેટમાં પણ મંદી તેમજ પાડોશી દેશો બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં જહાજોની ઉંચા ભાવે ખરીદીથી અલંગના શિપબ્રેકરોને સસ્તા ભાવે જહાજ ન મળતા હોય, આ બન્ને દેશોના કારણે અલંગમાં આખરી સફરે આવતા જહાજોની સંખ્યા ઘટી છે.
વળી, કાચો માલ મોંઘો મળી રહ્યો છે. તો તેની સામે તૈયાર માલ ઓછા ભાવે વેંચાતો હોવાથી અલંગને મંદીનો સામનો કરવો પડી રહ્યો હોવાનું શિપબ્રેકરો મત વ્યક્ત કરી રહ્યા છે. છેલ્લે 2006માં આવી મંદીથી અલંગ પસાર થયું હતું. ત્યારબાદ 2019માં અલંગ ઉદ્યોગ કઠીન સમયમાંથી પસાર થઈ રહ્યો છે.