Get The App

2020 ના વર્ષના અંતિમ તહેવાર નાતાલની ઉજવણી પણ સાદાઈથી થશે

- કોરોનાના કહેરના કારણે ગત માર્ચ માસથી તમામ તહેવારો પર રોક

- મુખ્ય બજારોમાં ક્રિસમસ સંબંધિત ચીજવસ્તુઓના વેચાણમાં ઉછાળો

Updated: Dec 20th, 2020

GS TEAM


Google News
Google News
2020 ના વર્ષના અંતિમ તહેવાર નાતાલની ઉજવણી પણ સાદાઈથી થશે 1 - image


ભાવનગર, તા. 20 ડિસેમ્બર 2020, રવિવાર

ક્ષમાના પર્વ નાતાલની ઉજવણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચુકયુ છે. ક્રિસમસનો તહેવાર નજીક આવતા શહેરના એમ.જી.રોડ,વાઘાવાડી રોડ સહિતના અનેક સ્થળોએ ઠેર ઠેર ક્રિસમસ સંબંધિત શાંતા કેપ સહિતની એસેસરીઝનું ધૂમ વેચાણ શરૂ થઈ ચૂકયુ છે.જો કે, આ વર્ષે કોરોનાની મહામારીના કારણે ગોહિલવાડમાં ક્રિસમસની મહદંશે માસ પ્રેયર કરીને ઓનલાઈન ઉજવણી કરવામાં આવશે.

કોરોનાના કહેરના કારણે અન્ય તહેવારોની જેમ 2020 ના વર્ષનો અંતિમ તહેવાર નાતાલની પણ સાદાઈથી ઉજવણી કરવામાં આવશે. તા.૨૫ને શુક્રવારે ગોહિલવાડના વિવિધ પંથ સાથે સંકળાયેલા ખ્રિસ્તી પરિવારો પણ ચર્ચમાં એકત્ર થવાના બદલે ચર્ચમાં ઓનલાઈન માસ પ્રેયર કરીને ક્રિસમસની ઉજવણી કરીને ગાઈડલાઈનની અમલવારી કરશે. વર્ષો બાદ આ વર્ષે લગભગ સર્વ પ્રથમ વખત સૌરાષ્ટ્રના જે તે વિસ્તારમાં આવેલા ચર્ચમાં એકત્ર થવાના બદલે ત્યાંથી જ ફાધરના સંદેશાઓ અને નાતાલ સોંગ્સ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ સહિતના સોશ્યલ મિડીયા પર જીવંત પ્રસારણ કરવામાં આવશે અને આ રીતે ધાર્મિક અને સામાજિક પરંપરા નિભાવવામાં આવશે.દર વર્ષે નાતાલનો તહેવાર નજીક આવતા ખ્રિસ્તી પરિવારોમાં ક્રિસમસની ઉજવણી  અને વધામણી માટેના અનોખા અને કર્ણપ્રિય કેરોલ સોંગ્સનું ગાન ઘેર ઘેર ભાવભેર થતુ હોય છે.જેમાં પણ આ વર્ષે કોરોનાની મહામારીના કારણે બ્રેક લાગી ગઈ છે. ગત વર્ષોની તુલનામાં આ વર્ષે બહુ ઓછા પરિવારોએ જ કેરોલ સોંગ્સના આયોજન કરાયા છે અને આ કાર્યક્રમમાં પણ કોરોનાની ગાઈડલાઈનને અનુલક્ષીને મર્યાદિત સંખ્યામાં જ પરિવારજનોને હાજર રખાય છે. હાલ શૈક્ષણિક સંસ્થાઓમાં વેકેશનનો માહોલ હોય અંગ્રેજી માધ્યમના બાળકો માટે ક્રિસમસની ઉજવણીમાં સહભાગી થવાની તક ગત વર્ષની તુલનામાં ઓછી રહેશે. ખ્રિસ્તી પરિવારો દ્વારા નાતાલની મેરી ક્રિસમસ પર  શાંતા કેપ, ગોગલ્સ,ક્રિસમસ ટ્રી, પ્રાર્થના મીણબત્તીઓ, સિતારોની રોશની સ્ટાર, ઘંટારવ સહિતની અઢળક વેરાયટીઓની ખરીદી થઈ રહી છે.ગત માર્ચ માસથી જ હિન્દુ અને મુસ્લિમ સમાજના તમામ નાના મોટા તહેવારોની ઉજવણી પર રોક લાગી ગઈ હોય ચાલુ  વર્ષ ૨૦૨૦ ના અંતિમ નાતાલના તહેવાર પણ સાદગીભેર ઉજવાશે.

Tags :