For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ફ્રીઝ અને એસી જેવા સાધનોમાંથી ઉદ્દભવતા ક્લોરોફ્લોરો કાર્બન ઓઝન માટે હાનિકારક

- આજે વિશ્વ ઓઝોન દિવસ

Updated: Sep 15th, 2022

Article Content Image- સૂર્યને નુકસાનકારક પારજાંબલી કિરણોથી સૃષ્ટિને બચાવવા માટે ઓઝોન પડ અતિ મહત્ત્વની કડીરૂપ

ભાવનગર


સૂર્યના નુકસાનકારક પારજાંબલી કિરણોને પૃથ્વી સુધી પહોંચતા અટકાવવા ઓઝોન લેયર મહત્વની ભૂમિકા ભજવે છે પરંતુ ક્લોરોફ્લોરો કાર્બનના ઉપદ્રવના કારણે આ ઓઝોન લેયરમાં ગાબડા પડવાના શરૂ થયા છે ત્યારે પર્યાવરણ સુરક્ષા માટે જાગૃતિ લાવવા ઓઝોન દિવસની ઉજવણી કરવામાં આવે છે.

પૃથ્વીનાં વાતાવરણના બહારનાં પડમાં ઓઝોન વાયુનું એક લેયર-સ્તર આવેલું છે. આ ઓઝોન વાયુનું લેયર સૂર્યનાં ઘાતક પારજાંબલી કિરણોથી પૃથ્વી પરની જીવસૃષ્ટિની રક્ષા કરે છે. જો આ પારજાંબલી કિરણો પૃથ્વી સુધી પહોંચે તો તેના સંપર્કમાં આવવાથી ચામડીનું કેન્સર, શ્વસનમાં તકલીફ, મોતિયો, વનસ્પતિનો વિકાસ રૂંધાવો જેવી હાનિકારક અસરો થાય છે. એસી, ફ્રિજ, કોલ્ડ સ્ટોરેજ, અમુક રાસાયણિક સ્પ્રે વગેરેમાંથી ઉદભવતા ક્લોરોફ્લોરો કાર્બન જેવાં હાનિકારક વાયુઓને કારણે ઓઝોનના આ અતિ ઉપયોગી પડમાં ગાબડું પડી રહ્યું છે, આ પડ પાતળું થઇ રહ્યું છે. આ બાબતે લોકોને જાગૃત કરવા વર્ષ ૧૮૮૭માં વિશ્વ સંઘ દ્વારા ૧૫૦ દેશોએ તબક્કાવાર ઓઝોનને નુકસાનકારક એવા સી. એફ. સી. (કાર્બન, ફ્લોરીન, ક્લોરીન વાયુઓ)ને જાકારો આપવાનો નિર્ણય લીધો છે. જેથી ઓઝોન માટે નુકસાનકારક એવા મોટા ભાગના વપરાશ અને ઉત્પાદન બંધ કે ઓછાં કરી નાખ્યા છે. ઓઝોનનાં આવરણનું મહત્વ: ઓઝોનનું આ પડ પૃથ્વીની સપાટીને ગરમ થવા દેતું નથી કે સખત ઠંડુ પાડવા દેતું નથી. આમ વાતાવરણમાં સમતોલન જાળવવા ઓઝોનનું પડ ખુબ જ અગત્યનો ભાગ ભજવે છે. વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી: વિશ્વ ઓઝોન દિવસ દર વર્ષે ૧૬ સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. પ્રથમ વખત ૧૯૯૫માં તેની ઉજવણી કરવામાં આવી હતી. આવનારી જનરેશન અનુકૂળ વાતાવરણમાં ટકી રહે તે માટે જૈવ-વૈવિધ્યનું રક્ષણ અને જાળવણી કરવી જરૂરી છે. આ દિવસે ઓઝોન સ્તરને કેવી રીતે બચાવી શકાય તે અંગે જાગૃતિલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષની ઓઝોન ડે ની થીમ છે- પૃથ્વી પરના જીવનનાં રક્ષણ માટે વૈશ્વિક સહકાર.

Gujarat