Get The App

મહુવા નગરપાલિકાના ચીફ ઓફિસર, બે નગરસેવકે ટી.પી. ચેરમેનને હડધૂત કર્યા

Updated: Jun 8th, 2024

GS TEAM

Google News
Google News
મહુવા નગરપાલિકાના ચીફ ઓફિસર, બે નગરસેવકે ટી.પી. ચેરમેનને હડધૂત કર્યા 1 - image


- ચીફ ઓફિસરે ફરજમાં રૂકાવટની ફરિયાદ સામે પદાધિકારીએ સામી ફરિયાદ નોંધાવી

- પૂર્વ પ્રમુખ અને નગરસેવક મારવા દોડતા ટી.પી. ચેરમેન ભાગીને ગાંધીબાગ ગયા, ચક્કર આવતા હોસ્પિટલમાં દાખલ : અધિકારી-પદાધિકારીનો વિવાદ ચરમસીમાએ

મહુવા : મહુવા નગરપાલિકામાં અધિકારી-પદાધિકારીનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે.નગરપાલિકાના જ ટાઉન પ્લાનિંગ ચેરમેને ચીફ ઓફિસરની ફરજમાં રૂકાવટ કરી તેમને મારી નાંખવાની ગત મોડી રાત્રે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ આજે ટાઉન પ્લાનિંગ ચેરમેને ચીફ ઓફિસર અને બે નગરસેવકો સામે પોતાને મારવા દોડી હડધૂત કર્યાેની વળતી પોલીસ ફરિયાદ દાખલ કરાવતા સમગ્ર મામલાએ ભારે મહુવાના રાજકારણમાં ભારે ચકચાર મચાવી છે.

મહુવા નગરપાલિકાના ચીફ ઓફિસરની ટી.પી. ચેરમેન સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ સામે મહુવાના તારવાડી વિસ્તાર, નવા ઝાપામાં રહેતા મહુવા નગરપાલિકાના નગરસેવક અને હોદ્દાની રૂએ ટી.પી.ના ચેરમેન મંગાભાઈ ગોંવિદભાઈ ચૌહાણ (ઉ.વ.૫૪)એ આજે મહુવા પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદી ગત ગુરૂવારે સાંજના સમયે નગરપાલિકાની ઓફિસે હતા. ત્યારે સ્લમ વિસ્તારના રહિશોએ તેમની પાસે આવી નગરપાલિકા તરફથી સ્લમના ૫૬૨ પરિવારોને તાત્કાલિક ઘર ખાલી કરવાના મામલાનું નિરાકરણ લાવવા રજૂઆત કરી હતી. જેથી ગરીબ પરિવારો સાથે ફરિયાદી નગરસેવક અને ટીપી ચેરમેન મંગાભાઈ ચૌહાણ પ્રમુખની ઓફિસમાં ગયા હતા. ત્યાં પ્રમુખ, ચીફ ઓફિસર નિલકંઠ અણઘણ તથા નગરસેવક બિપીન સંઘવી અને ભરત બાંભણિયા સહિતના હાજર હતા. ત્યારે પ્રમુખ અને ચીફ ઓફિસરને તેમણે રજૂઆત કરી સ્લમ પરિવારોને રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી દેવા અને તાત્કાલિક મકાન ખાલી ન કરાવવા જણાવ્યું હતું. જે મામલે સ્થળ પર હાજર ચીફ ઓફિસર નિલકંઠ અણઘણ તેમજ નગરસેવક બિપીન સંઘવી અને ભરત બાંભણિયાએ ઉશ્કેરાઈ જઈ ફરિયાદી ટી.પી. ચેરમેનને ગાળો દઈ જ્ઞાતિ વિશે અપમાનિત શબ્દો કહ્યા હતાં. આ પણ અધુરૂ હોય તેમ નગરસેવક બિપીન સંઘવી મારવા દોડતા ફરિયાદી ભાગીને ગાંધીબાગ આવી ગયા હતા. ત્યાં તેઓને ચક્કર આવતા ૧૦૮ એમ્બ્યુલન્સમાં સારવાર માટે પ્રથમ મહુવા જનરલ અને બાદમાં હનુમંત હોસ્પિટલ દાખલ કરાયા હતા. સમગ્ર બનાવને લઈ રાજકીય ગલિયારા અને નગરપાલિકામાં ભારે ચકચાર મચી છે. ઉલ્લેખનીય છે કે, નગરસેવક સંઘવી મહુવા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને હાલમાં મહુવા નાગરિક બેંકના ચેરમેન તરીકે કાર્યરત હોવાનું પણ જાણવા મળેલ છે. બનાવ અંગે મહુવા પોલીસે મંગાભાઈ ચૌહાણની ફરિયાદના આધારે મહુવા ન.પા.ના ચીફ ઓફિસર અને બે નગરસેવકો સહિત ત્રણ શખ્સ સામે આઈપીસી કલમ ૧૧૪, એટ્રોસિટી એક્ટની કલમ ૩ (૧) (આર), ૩ (૧) (એસ) મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :