ભાવનગર જિલ્લામાં તુલસી વિવાહની ધામધૂમથી ઉજવણી
ભાવનગર, તા. 08 નવેમ્બર 2019, શુક્રવાર
ભાવનગર જિલ્લામાં આજે શુક્રવારે તુલસી વિવાહની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. શહેર-જિલ્લામાં ઠેર-ઠેર માતા તુલસી વૃંદા અને ઠાકોરજીના રૂડા લગ્નોત્સવના જાહેર આયોજનો થયા હતા. જ્યારે બહેનોએ પોતાના ઘરે તુલસી ક્યારામાં દીવડા પ્રગટાવી તુલસી માતાનું પૂજન-અર્ચન કર્યું હતું. તુલસી વિવાહ સાથે શિયાળુ લગ્નસરાની સિઝનનો આરંભ થઈ ગયો છે. નવેમ્બર-ડિસેમ્બર માસમાં અનેક યુગલો લગ્નના તાંતણે બંધાશે.
આજે કારતક સુદ-૧૧ને પ્રમોદીની એકાદશી-દેવઉઠી એકાદશી નિમિત્તે સમગ્ર ગોહિલવાડમાં પરંપરાગત રીતે તુલસી વિવાહનો ઉત્સવ રંગેચંગે ઉજવવામાં આવ્યો હતો. શહેર-જિલ્લામાં આયોજીત તુલસી વિવાહના રૂડા અવસરમાં મંડપ સ્થાપન, તુલસી પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સાંજે ભગવાન લાલજીની જાડેરી જાન ઢોલ-નગારા અને ડી.જે.ના સાઉન્ડ તેમજ આતશબાજી સાથે રાજમાર્ગો પર નીકળી હતી. ઠાકોરજીનો વરઘોડો લગ્ન મંડપે પહોંચ્યા બાદ તુલસી વિવાહનો પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો. ભગવાનની જાનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં દેવઉઠી એકાદશીનું અનેરૂ માહત્મય હોય, બહેનો દ્વારા પોતાના ઘરે ક્યારામાં દીવો પ્રગટાવી તુલસી માતાનું પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઘેર-ઘેર તુલસી માતાની હરખની રંગોળી પણ રચવામાં આવી હતી. તુલસી વિવાહ સાથે આજથી જ શિયાળુ લગ્નસરાની સિઝન પણ શરૂ થઈ ગઈ હતી. આગામી દોઢ માસ સુધી લગ્નની સિઝન પૂરબહારમાં ખિલશે. અનેક સ્થળોએ સમૂહ લગ્નના આયોજનો પણ કરવામાં આવ્યા છે.