સૌરાષ્ટ્રમાં શિતળા સાતમની ભક્તિભાવ સાથે ઉજવણી, પરંપરાગત પૂજન-અર્ચન
- સંતાનોનાં આરોગ્યપ્રદ જીવન માટે પ્રાર્થના કરાઈ
- રાજકોટ, જામનગર, જૂનાગઢ, મોરબી, કાલાવડ સહિતનાં શહેરો-ગામોમાં વહેલી સવારથી તમામ શિતળા માતાનાં મંદિરોમાં મહિલાઓ ઉમટી
રાજકોટ : રાજકોટ, જામનગર, જૂનાગઢ, મોરબી, કાલાવડ સહિત સૌરાષ્ટ્રમાં શિતળા સાતમની ભક્તિભાવ સાથે ઉજવણી કરાઈ હતી. વહેલી સવારથી તમામ શિતળા માતાનાં મંદિરોમાં મહિલાઓ ઉમટી હતી અને પરંપરાગત રીતે પુજન-અર્ચન કર્યા હતા. આજે મહિલાઓએ અડધો દિવસનો ઉપવાસ કરીને ઠંડુ ભોજન ગ્રહણ કર્યું હતું.
રાજકોટમાં વર્ષો જૂના બેડીનાકા સ્થિત શિતળા માતાનાં મંદિરે દર વર્ષે યોજાતો શિતળા સાતમનો મેળો આ વખતે પણ કોરોના મહામારીનાં કારણે રદ રહયો હતો. જો કે આમ છતાં આજે સેંકડો ભાવિકો ઉમટતા મેળા જેવો માહોલ છવાયો હતો. એ જ રીતે અન્ય તમામ મંદિરોમાં પણ શિતળા માતાનું મંદિર પણ હોય, ત્યાં પણ આજે મોટી સંખ્યામાં મહિલાઓ ઉમટી હતી અને પુજન-અર્ચન કર્યા હતા.
કાલાવડમાં પ્રાચીન શિતળા માતાજીનાં મંદિરનું અનેરું માહાત્મ્ય છે. અહીં પણ આજે દૂર-દૂરથી ભાવિકો દર્શન માટે આવ્યા હતા. કોરોના ગાઈડલાઈનનાં પગલે આ વખતે પણ મેળો રદ રહયો હતો. વહેલી સવારથી મોડી સાંજ સુધી સેંકડો ભાવિકોએ ઉમટીને શિતળા માતાનાં દર્શનનો લાભ લીધો હતો.
જામનગરમાં આજે શિતળા સાતમના તહેવારને લઈને નાગેશ્વર વિસ્તારમાં આવેલા પૌરાણિક શિતળા માતાજીના મંદિરે દર્શનાર્થીઓની એક કિલોમીટર જેટલી લાંબી કતાર લાગી હતી. વહીવટી તંત્ર વ્યવસ્થા કરવામાં ટૂંકું પડયું હોવાથી અનેક નાગરિકો પરેશાન થયા હતા અને ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. વહેલી સવારે સાત વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી બહોળી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટયા હતા અને દર્શનનો લાભ લીધો હતો.
જૂનાગઢ જિલ્લામાં પણ આજે શીતળા સાતમની ઉજવણી થઈ હતી. જેમાં સવારે મહિલાઓએ પૂજા અર્ચના કરી હતી. જયારે કાળવા ચોક નજીક આવેલા શીતળા કુંડ ખાતે દર્શન કરી દિપમાળા કરી હતી.
મોરબીમાં દરબારગઢ નજીક આવેલા શિતળા માતાજી મંદિર ખાતે દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડયા હતા. બાળકોને શીતળા માતાજીના દર્શન કરાવી અનેક રોગોથી બચાવી શકાય તેવી શ્રદ્ધા ભક્તોમાં જોવા મળી હતી.