બુધેલ ગામના સરપંચને સસ્પેન્ડ કરાતા ખળભળાટ
ભાવનગર, તા. 19 ડિસેમ્બર 2019, ગુરુવાર
ભાવનગર નજીકના બુધેલ ગામના સરપંચને આજે ગુરૂવારે જિલ્લા વિકાસ અધિકારીએ સસ્પેન્ડ કરતા ખળભળાટ મચી જવા પામેલ છે. પોલીસ કાર્યવાહીના મામલે પંચાયત ધારાના નિયમ મુજબ બુધેલ ગામના સરપંચને હોદ્દા પરથી દુર કરવામાં આવ્યા હોવાનુ જાણવા મળેલ છે. શીપબ્રેકરને મારમારી-લૂંટ ચલાવવાનો ગુનો બુધેલ ગામના સરપંચ સામે તાજેતરમાં નોંધાયો હતો.
બુધેલ ગામના સરપંચ ભવાનીસિંહ મોરી સામે આજે ગુરૂવારે જિલ્લા વિકાસ અધિકારી બરનવાલે કાયદેસરની કાર્યવાહી કરી તેઓને સરપંચના હોદ્દા પરથી સસ્પેન્ડ કર્યા હતાં. તેઓ સરપંચ બન્યા બાદ તેઓ પર કેટલીક પોલીસ ફરિયાદ થઈ હતી અને તાજેતરમાં તેઓ પર શીપબ્રેકરને મારામારી-લૂંટ ચલાવવાનો ગુનો નોંધાયો હતો. આ કેસમાં હાલ પોલીસે બુધેલ ગામના સરપંચની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ પોલીસ ફરિયાદોને ધ્યાનમાં રાખી જિલ્લા વિકાસ અધિકારીએ બુધેલ ગામના સરપંચને હોદ્દા પરથી દુર કર્યા છે.
આ બાબતે જિલ્લા વિકાસ અધિકારીને પુછતા તેઓએ જણાવ્યુ હતુ કે, બુધેલ ગામના સરપંચ સામે 8-10 પોલીસ કેસ તેઓ સરપંચ બન્યા બાદ નોંધાયા છે. આ કેસને ધ્યાનમાં લઈને પંચાયત ધારા 59-1 મુજબ તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેઓ સામે સરપંચ પૂર્વે થયેલા કોઈ પોલીસ કેસ ધ્યાને લેવામાં આવ્યા નથી. સરપંચ થયા બાદ અને તાજેતરમાં થયેલ ફરિયાદના આધારે તેઓને સરપંચ પદેથી દુર કરાયા છે.