mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

શહેરના પીરછલ્લામાં મકાન ધરાશાયી, સાડા ત્રણ કલાકે વૃધ્ધનો મૃતદેહ મળ્યો

- જુનવાણી મકાનમાં રિપેરીંગ ચાલી રહ્યું હતું તે સમયે દુર્ઘટના સર્જાઈ

- મકાન સાંકળી ગલ્લીમાં હોવાથી મોટી જાનહાની થતા અટકી

Updated: Oct 29th, 2021

ભાવનગર, ગુરૃવારશહેરના પીરછલ્લામાં મકાન ધરાશાયી, સાડા ત્રણ કલાકે વૃધ્ધનો મૃતદેહ મળ્યો 1 - image


શહેરના પીરછલ્લા વિસ્તારમાં આવેલા ખારાકૂવાના નાકે ત્રણ માળના પાક્કાબાંધકામ વાળા જુનવાણી મકાનમાં રિપેરીંગ કામગીરી સમયે અચાનક મકાન ધરાશાયી થતાં એક વૃધ્ધનું કાટમાળની નીચે દબાઈ જવાથી મૃત્યુ થયું હતું. ફાયર સ્ટાફને મૃતદેહ બહાર કાઢવા સાડા ત્રણ કલાક સુધી સતત મહેનત કરવી પડી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના પીરછલ્લા, ખારાકૂવાના ખાંચામાં ત્રણ માળના જુનવાણી જર્જરીત મકાનમાં છેલ્લા પંદરેક દિવસથી રિનોવેશનનું કામ ચાલતું હતું. જેથી આજે ગુરૃવારે સાંજના સમયે મકાનમાલિક કાંતિલાલ મનસુખલાલ લંગાળિયા (ઉ.વ.૭૫, રહે, તખ્તેશ્વર મંદિર પાસે) રિપેરીંગ કામ જોવા માટે ગયા હતા. આ સમયે અચાનક મકાન ધરાશાયી થઈ જતાં કાંતિલાલ લંગાળિયા મકાનના કાટમાળ નીચે દબાઈ ગયા હતા. આ બનાવની જાણ સાંજે ૫-૪૦ કલાકે ધીરૃભાઈ મનસુખલાલ લંગાળિયાએ ફાયર વિભાગને કરતા લાશ્કરોએ રેસ્ક્યુ માટે તાબડતોડ દોડી જઈ બચાવ કામગીરી શરૃ કરી હતી. આશરે સાડા ત્રણ કલાક જેટલી જહેમત બાદ વૃધ્ધને બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજપરના તબીબે મૃત જાહેર કર્યા હતા.

ફાયર સ્ટાફે કાટમાળને હટાવવા માટે દોરડા, કુહાડી વગેરે સાધનોનો ઉપયોગ કર્યો હતો. ઉલ્લેખનિય છે કે, પીરછલ્લા બજારમાં હાલ દિવાળીના તહેવારને લઈ હજારોની સંખ્યામાં લોકોની ખરીદી માટે ચહલ પહલ રહે છે. આ ઘટનાને લઈ લોકોમાં ફફડાટ ફેલાયો હતો. સદ્નસીબે મકાન સાંકળી ગલ્લીમાં આવેલું હોય અને અહીં લોકોનો અવરો-જવરો નહીંવત જેવો હોવાથી મોટી જાનહાની થતા અટકી ગઈ હતી. વધુમાં ઘટના બની તે સમયે ચાર વ્યક્તિ રિનોવેશનનું કામ કરી રહ્યા હતા. પરંતુ તેઓ મકાનની બહાર નીકળી પાછળની ગલ્લીમાં જઈ રહ્યા હતા. તે વેળાએ મકાન ધરાશાયી થતાં સદભાગ્યે તમામના જીવ બચ્યા હતા. બનાવને લઈ વૃધ્ધના પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે.

Gujarat