રાજકોટમાં બોગસ ડ્રાઇવીંગ લાયસન્સ કૌભાંડ, 9 ઝડપાયા
- લાયકાત ન હોવા છતાં બોગસ દસ્તાવેજ બનાવી
- અગાઉ રાજકોટ આર.ટી.ઓ.ના એજન્ટો સહિત 19 આરોપીઓની કરાઇ હતી ધરપકડ
રાજકોટ, તા. 18 જુલાઈ, 2020, શનિવાર
રાજકોટના આર.ટી.ઓ.માં બોગસ દસ્તાવેજોના આધારે લાયસન્સ કઢાવી આપવાના પ્રકરણનો પર્દાફાશ કરી એકાદ વર્ષ પહેલા એસ.ઓ.જી.એ આર.ટી.ઓ.ના એજન્ટો સહિત ૧૯ શખ્સોની ધરપકડ કર્યા બાદ આજે આ ગુનામાં ફરાર અને બોગસ લાયસન્સ કઢાવનાર નવ શખ્સોને ક્રાઇમ બ્રાન્ચે પકડી લીધા હતા.
ધરપકડ કરાયેલા આરોપીઓમાં અરવિંદ કાનજીભાઇ જાદવ (ઉ.વ. ૩૩, રહે. ગણેશનગર શેરી નં. ૪, મોરબી રોડ), નટુ ભીમજીભાઇ બાબરીયા (ઉ.વ. ૨૫, રહે. બેટી (રામપરા) ગામ, તા. રાજકોટ), બિજલ ધીરૂભાઇ ડાભી (ઉ.વ. ૨૨, વેજીગામ તા. રાજકોટ), વિજય મોહનભાઇ દાહોરીયા (ઉ.વ. ૩૬, રહે. નવાગામ આણંદપર સોસાયટી), વિજય રવજીભાઇ સારદીયા (ઉ.વ. ૪૪, રહે. પોપટપરા શેરી નં. ૧૧ના છેડે), કરશન અરજણભાઇ ગોવાણી (ઉ.વ. ૪૫, રહે. સ્લમ કવાર્ટર, રૈયાધાર), વિપુલ બાબુભાઇ રાઠોડ (ઉ.વ. ૩૩, રહે. આંબેડકરનગર શેરી નં. ૬, ૮૦ ફુટ રોડ), સુખદેવસિંહ લાલુભા ઉર્ફે બાલુભા ગોહિલ (ઉ.વ. ૪૬, રહે. હાઉસિંગ બોર્ડ કવાર્ટર, પુનિતનગરની પાસે) અને દિલીપ ધીરૂભાઇ પીઠવા (ઉ.વ. ૩૩, રહે. સ્લમ કવાર્ટર, રૈયાધાર)નો સમાવેશ થાય છે.
રાજકોટ આર.ટી.ઓ.માં એજન્ટોએ એકાદ વર્ષ પહેલા લાયકાત ધરાવતા ન હોવા છતાં રૂા. ૫ હજારથી લઇ ૧૦ હજાર સુધીની રકમ વસુલી બોગસ ડોક્યુમેન્ટ બનાવડાવી લાયસન્સ કઢાવી આવ્યા નો પર્દાફાશ થયો હતો.
આ અંગે જે તે સમયે એસ.ઓ.જી.એ ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરાવી એજન્ટ કનકસિંહ, હિતેષ સહિતના ૧૯ જેટલા શખ્સોની ધરપકડ કરી હતી.
જે ગુનામાં તપાસ કરાતા બોગસ દસ્તાવેજોના આધારે લાયસન્સ કઢાવનાર શખ્સોના નામ ખુલતા આજે એક વર્ષ બાદ આ નવે'ય આરોપીઓને ક્રાઇમ બ્રાંચે પકડી કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેનો રીપોર્ટ આવ્યા બાદ આરોપીઓની વિધીવત ધરપકડ કરાશે.