Get The App

જયાં ત્રણ નદીઓનો સંગમ છે ત્યાં બિરાજે સોમનાથ મહાદેવ

- સૌરાષ્ટ્ર આજથી શિવમય : શ્રાવણ માસની સાદાઈથી કરાશે ઉજવણી

- સમુદ્રકાંઠે દિશાસુચક તીર દર્શાવે છ કે, અહીથી નાવ લઈને દરિયામાં નીકળી પડો એટલે સીધા જ દક્ષિણ ધ્રુવ પહોંચો

Updated: Jul 20th, 2020

GS TEAM

Google News
Google News
જયાં ત્રણ નદીઓનો સંગમ છે ત્યાં બિરાજે સોમનાથ મહાદેવ 1 - image


કૈલાશ મહામેરૂ પ્રસાદ શૈલીનું છે સોમનાથનું મંદિર

રાજકોટ, તા. 20 જુલાઈ, 2020, સોમવાર

દેશનાં જાણીતા દ્વાદશ જયોર્તિલીંગ પૈકી સૌ પ્રથમ સ્થાન ધરાવતા સોમનાથ મહાદેવ મંદિરનું ઐતિહાસિક અને પૌરાણિક દ્રષ્ટિએ વિશિષ્ટ મહત્વ સૈકાઓથી રહ્યું છે. શ્રાવણ મહિનામાં દર વર્ષે પ્રભાસતિર્થ ક્ષેત્રમાં આવેલા આ મંદિરે દેશ વિદેશમાંથી હજારો શિવભક્તો ઉમટે છે. પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીને કારણે દર્શનાર્થીઓ ઉપર કેટલાક પ્રતિબપંધ મુકવામાં આવ્યા છે. તેમ છતાં સૌરાષ્ટ્રના અરબી સમુદ્રના કિનારે જયાં દરીયાદેવ જેમનું પાદપ્રક્ષાલય કરે છે તે સોમનાથ મહાદેવનું મંદિર શ્રાવણ માસ દરમિયાન શ્રધ્ધાના ઘોડાપુર ઘુઘવતા રહેશે.

પ્રભાસ તિર્થક્ષેત્રમાં  જયાં હિરણ્ય, સરસ્વતી અને કપિલા નદીનો ત્રિવેણી સંગમ થાય છે. ત્યાં બિરાજતા સોમનાથ મહાદેવ મંદિરનાં પટાંગણમાં દક્ષિણ દિશામાં દરિયા તરફ પાળ પાસે પત્થરનો એક મોટો સ્તંભ મુકવામાં આવ્યો છે તે સ્તંભની ઉપર કમળપુષ્પમાં પૃથ્વીનો ગોળો બેસાડવામાં આવ્યો છે. જે પૃથ્વીને ચીરતું એકદિશાસુચક તીર મુકવામાં આવ્યું છે. જે સ્પષ્ટ રીતે દક્ષિણ દિશા દર્શાવે છે. આ સ્તંભના પાયા ઉપર લખ્યુ છ ેકે અહીથી નાવ લઈને દરિયામાં નીકળી પડો એટલે રસ્તામાં કયાંય જમીન આડે નહીં આવે સીધા જ દક્ષિણ ધુ્રવ પર પહોંચી જવાશે.  આ પ્રકારની વિશિષ્ટ ભૌગૌલિક સ્થિતિ ધરાવતા આ મંદિર વિશે ઈતિહાસકારો જણાવે છે કે, ચંદ્રએ જયાં શિવની આરાધના કરી છે તેથી આ સ્થળ સોમનાથ તરીકે પ્રસિધ્ધ થયું છે. ભગવાન સોમનાથની જયોર્તિલિંગ તરીકે સ્થાપના થયા પછી ભારતભરમાં તેની ખ્યાતિ વધતા અનેક વખત આક્રમણકારો એ મંદિર ઉપર હુમલા કર્યા પરંતુ સોમનાથ મહાદેવ પ્રત્યેની શ્રધ્ધા લોકોમાં આજ સુધી અખંડ રહી છે. આઝાદી પછી તા.૧૩-૧૧-૧૯૪૭ માં સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મહાદેવ મંદિરના દર્શને આવ્યા હતાં ત્યારે તેઓએ મંદિરના પુન: નિર્માણનો સંકલ્પ લીધો હતો. ત્યારબાદ તા.૧૯-૪-૧૯૫૦નાં સૌરાષ્ટ્રનાં સૌપ્રથમ મુખ્યમંત્રી ઉછરંગરાય ઢેબરના હસ્તે ભુમિપુજન કરવામાં આવ્યું તા.૧૧.૫.૧૯૫૧માં રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદનાં હસ્તે શિવલીંગની સ્થાપના કરવામાં આવી ત્યારબાદ તા.૧૩.૫.૧૯૬૫ ના સોમનાથ મંદિરના ૧૫૫ ફુટ ઉંચા શિખર ઉપર ધજા અને કળશ આરોહણ વિધિ સોમનાથ ટ્રસ્ટનાં પ્રથમ એવા જામનગરનાં રાજવી શ્રી દિગ્વીજયસિંહજીના હાથે કરવામાં આવી. મંદિરના સ્થાપતિ શ્રી પ્રભાશંકર સોમપુરાએ તૈયાર કરેલ કૈલાશ મહામેરુ પ્રસાદ શૈલી મુજબના સોમનાથ મંદિરના નિર્માણનું કામ પુરૂ કરી તા.૧.૧૨.૧૯૯૫ના સોમનાથ મહાદેવ મંદિર રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું સોમનાથ મહાદેવ મંદિર સહિત પ્રભાસ તિર્થક્ષેત્રના જુદા જુદા તિર્થધામોનો ટ્રસ્ટ દ્વારા છેલ્લા બે દાયકા દરમિયાન વિકાસ કરવામાં આવ્યો છે. જેના કારણે દેશ વિદેશનાં દર્શનાર્થીઓ માટે સોમનાથ મહાદેવ મંદિર એક દિવ્ય શ્રધ્ધા સ્થાન બની રહ્યું છે.

મંદિરોમાં ભીડ થાય તેવા કાર્યક્રમો નહીં યોજાય

પવિત્ર શ્રાવણ માસનો મંગળવારથી પ્રારંભ થતો હોઈ શિવભક્તોમાં અનેરો ઉત્સાહ, ભક્તિ જોવા મળી રહ્યા છે. કાલથી શિવાલયોમાં બમ-બમ ભોલેનો નાદ ગુંજી ઉઠશે. પરંતુ કોરોના મહામારીના કારણે સર્વત્ર શ્રાવણ માસની સાદાઈથી ઉજવણી કરાશે. જામનગર, મોરબી, ધોરજી, હળવદ, ખંભાળિયામાં શિવાલયોમાં ભાવિકો માત્ર દર્શનનો લાભ લઈ  શકશે. ભીડ એકત્ર થાય તેવા કોઈ કાર્યક્રમો યોજાશે નહીં.

જામનગર, મોરબી, ધોરાજી, હળવદ, ખંભાળિયામાં સોશ્યલ ડિસ્ટન્સ જાળવી, માસ્ક પહેરી શિવાલયોમાં દર્શનનો લઈ શકાશે લાભ

જામનગર શહેરમાં આજે સોમવતી અમાસને લઈને અનેક શિવાલયોમાં પૂજા અર્ચના કરવામાં આવી હતી, જોકે સોશિયલ ડિસ્ટન્સ ને ધ્યાનમાં રાખીને ભક્તોને માત્ર દર્શનનો લાભ અપાયો હતો. આવતીકાલથી પ્રારંભ થઇ રહેલા શ્રાવણ માસ દરમિયાન દર્શનાર્થીઓને માત્ર મંદિરમાં દર્શન માટે જ પ્રવેશ આપવા મા આવશે, તેવી જાહેરાત કરવામાં આવી છે. મંદિરમાં થાળ અથવા પૂજા નહીં કરી શકે,  સોશિયલ ડિસ્ટન્સ જાળવીને જ મંદિરમાં પ્રવેશ અપાશે.  જોકે શહેરના ભીડભંજન મહાદેવ મંદીર, કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, સિધ્ધનાથ મહાદેવ મંદિર, નાગેશ્વર મહાદેવ મંદિર, પ્રતાપેશ્વર મહાદેવ મંદિર, હેમેશવર મહાદેવ મંદિર સહિતના તમામ શિવાલયોને શ્રાવણ માસ નિમિત્તે રોશનીથી ઝળહળતા કરી દેવાયા છે.

પવિત્ર શ્રાવણ માસમાં મોરબી શહેરના કુબેરનાથ મહાદેવ મંદિર, જડેશ્વર મંદિર, ત્રિલોકધામ મંદિર, શોભેશ્વર મંદિર, રફાળેશ્વર મહાદેવ, ભીમનાથ મહાદેવ મંદિર સહિતના મંદિરોમાં ભક્તો દર્શન માટે ઉમટી પડશે જોકે શ્રાવણ માસમાં પણ મંદિરોમાં કાર્યક્રમો નહિ કરવાની આગોતરા જાહેરાત મંદિરો દ્વારા કરી દેવામાં આવી છે અને ભક્તો સરકારની ગાઈડ લાઈન અનુસાર સોશ્યલ ડીસટન્સ જાળવી તેમજ માસ્ક સાથે દર્શન કરી શકશે મોરબી જીલ્લામાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે, જેથી મંદિરમાં દર્શન વેળાએ પણ ભક્તો ખાસ તકેદારી રાખે તે જરૂરી છે. પંચનાથ મહાદેવ મંદિર,કોટેશ્વર મહાદેવ મંદિર, નીલકંઠ મહાદેવ મંદિર, ભૂતનાથ મહાદેવ મંદિર, ફુલેશ્વર મહાદેવ મંદિર, નીલકંઠ મહાદેવ મંદિર, નાગનાથ મહાદેવ મંદિર, ભીડભંજન મહાદેવ મંદિરે શ્રાવણ માસની પરંપરા મુજબ ઉજવણી થશે.

ખંભાળિયાના પ્રાચીન અને પ્રખ્યાત એવા  ખામનાથ મહાદેવ, રામનાથ મહાદેવ, શરણેશ્વર મહાદેવ, જડેશ્વર મહાદેવ, સુખનાથ મહાદેવ, જલારામ મંદિર પરિસરમાં આવેલા શ્રી રામેશ્વર મહાદેવ, બાલનાથ મહાદેવ, ઉપરાંત દાત્રાણા ગામ નજીક આવેલા ધિંગેશ્વર મહાદેવ મંદિર વિગેરે સ્થળોએ શ્રાવણ માસ સાદાઈથી ઉજવાશે. આજે સોમવતી અમાસે દર્શનાર્થે ભાવિકો ઉમટયા હતા. ખંભાળિયા પંથકમાં શ્રાવણ માસ નિમિત્તે શિવ મંદિરોમાં પોલીસ દ્વારા જરૂર પડયે બંદોબસ્ત ગોઠવવામાં આવશે તેમ  જણાવાયું છે.

હળવદનાં શિવમંદિરોમાં ભક્તો માટે સરકારની ગાઈડ લાઈન મુજબ મંદિરમાં દર્શન વ્યવસ્થા કરવામાં આવી છે. વૈજનાથ મહાદેવ, શરણેશ્વર મહાદેવ, કાશી વિશ્વનાથ મહાદેવ, નીલકંટ મહાદેવ મંદિરમાં આ વર્ષે કોરોના મહામારીનાં કારણે સાદગી રીતે પૂજા-અર્ચના કરાશે.

Tags :