બિન સચિવાલય કલાર્કની પરીક્ષા એક એક રદ્દ કરાતો નિર્ણય બેરોજગારોની ક્રુર મજાક
ભાવનગર, તા. 14 ઓક્ટોબર 2019, સોમવાર
બિન સચિવાલય કલાર્કની નિર્ધારીત પરીક્ષા લેવાય તે ગણતરીના દિવસો પહેલા જ રદ્દ કરવાની જાહેરાત થતા લાખો બેરોજગાર યુવાનો અચંબામાં મૂકાયા હતાં અને સંભવતઃ ધો.12 પાસની લાયકાતથી બાદબાકીના મુદ્દાને લઇ પાંચથી છ લાખ આવા ઉમેદવારો પણ મુશ્કેલીમાં મુકાયા હતાં ત્યારે સરકારી નીતિ સામે યુવાનોમાં રોષનો ચરૂ ઉકળી ઉઠયો હતો.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 12/10ના રોજ બિન સચિવાલય કલાર્ક અને ઓફીસ આસિસ્ટન્ટની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. ફોર્મ ભરાઈ ગયા (જેમાં શૈક્ષણિક લાયકાત 12 પાસ જ માંગી હતી). ત્યાર બાદ ઇ.ડબલ્યુ.એસ. અને લોકસભાની ચૂંટણીના કારણે પરીક્ષા પાછી ઠેલાઈ. ફરી એકવાર 01/06/2019ના રોજ સુધારા જાહેરાત બહાર પાડવામાં આવી જેમાં પણ શૈક્ષણિક લાયકાત 12 પાસ જ માંગી હતી.
અંદાજે 10 લાખ જેટલા ફરી ફોર્મ ભરાયા. તારીખ 20/08/2019ના રોજ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષાની જાહેર કરવામાં આવી 20/10/2019 પેટા ચૂંટણીની જાહેરાત થતા જ ઉમેદવારોમાં એવી વાત વહેતી થઈ કે પરીક્ષાની તારીખ બદલાઈ શકે છે તારીખ 25/09/2019ના રોજ ગૌણ સેવા પસંદગી મંડળે જાહેરાત કરી કે પરીક્ષા પૂર્વ નિર્ધારિત તારીખ એટલે કે 20/10/2019ના રોજ જ લેવાની છે. તારીખમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. 01/10/2019ના રોજ વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રો ફાળવી દેવામાં આવે છે.
કોલ લેટર જાહેર કરી દેવામાં આવે છે. તારીખ 11/10/2019ના રોજ મંડળ દ્વારા પરીક્ષા કેન્દ્રોને પરીક્ષાના આયોજન માટે કેટલીક પૂર્વ તૈયારી કરવા માટે (સ્ટ્રોંગ રમ, સ્ટાફની ફાળવણી, સીસીટીવી વગેરે) તા. 15/10ના રોજ વીડિયો કોન્ફરન્સ કરવાની સૂચના આપવામાં આવે છે. એ જ તારીખે એટલે કે 11/10ના રોજ સાંજે જાહેરાત કરવામાં આવે છે કે બિનસચિવાલય અને ઓફીસ આસિસ્ટન્ટની પરીક્ષા રદ કરવામાં આવે છે.
જે સંદર્ભે કોઈને એ ના સમજાયું કે 4 કલાક પહેલાં જ પરીક્ષા કેન્દ્રો પર તૈયારી કરવાની સૂચના આપનાર ગૌણ સેવા પસંદગી મંડળે કેમ અચાનક પરીક્ષા રદ કરી..? ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરા સાહેબ અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે એવું નિવેદન આપ્યું કે પરીક્ષા રદ થવાના કારણોથી અમે અજાણ છીએ તે ચોંકાવનારૂ બની રહ્યું પણ જીતુભાઈ વાઘાણીનું હાસ્યાસ્પદ નિવેદન આવ્યું કે તહેવારોને કારણે પરીક્ષા રદ કરાઈ છે.
સરકાર તરફથી ઔપચારિક કોઈ વાત નથી આવી પણ મીડિયામાં એવી વાત છે કે પરીક્ષાની શૈક્ષણિક લાયકાત 12 પાસથી વધારી ગ્રેજ્યુએશન કરવાની હોઈ પરીક્ષા રદ કરાઈ છે. સાહેબ મારો આપને પ્રશ્ન એ છે કે શું પરીક્ષા જાહેર કર્યા બાદ, બે વખત ફોર્મ ભરાયા બાદ, પરીક્ષા કેન્દ્રો અને કોલ લેટરની ફાળવણી કર્યા બાદ આપની સરકારને બ્રહ્મજ્ઞાાન થયું કે....ના ના આ પરીક્ષા તો સ્નાતક કક્ષાએ લેવાવી જોઈએ? અને જો વર્ગ 3 અને ક્લાર્ક ની જગ્યા માટે સ્નાતક થવું અનિવાર્ય હોય.
તો તાજેતરમાં જાહેર કરવામાં આવેલી ધારાસભ્ય બનવા માટેની પેટા ચૂંટણી પણ રદ કરવામાં આવે અને મોદી સાહેબને કહી સંસદમાં ચૂંટણી લડવાની લાયકતોમાં લઘુત્તમ શૈક્ષણિક લાયકાત નક્કી કરતો સુધારો લાવવામાં આવે અને આ સુધાર ન થાય ત્યાં સુધી ચૂંટણી રદ કરવામાં આવે પણ તે કરે કોણ? છેલ્લા 3 વર્ષથી જન્મદિવસ, દિવાળી, નવરાત્રી જેવા તહેવારો જોયા વગર દિવસ રાત લાઇબ્રેરીમાં પસાર કર્યા છે. પરિવારને પણ દિલાસો આપતા થાકી ગયા કે બસ આ વખત થઈ જશે. નોકરી મળી જશે પરંતુ ગુજરાત સરકારની એવી કોઈ ભરતી નથી જેમાં વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં અને છબરડા ન થયા હોય. આ સંદર્ભે મુખ્યમંત્રી સુધી અરજદારોએ રજૂઆત કરી હતી.
રદ્દ થયેલ પરીક્ષાના મામલે કોંગ્રેસ આજે આવેદન આપશે
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ સમગ્ર ગુજરાતમાં બીન સચિવાલય, કલાર્કની ભરતીની પરીક્ષાઓ રદ્દ કરી તેના અનુસંધાને ઉમેદવારોની ફરિયાદને વાચા આપવા દરેક જિલ્લા અને તાલુકા મથકે કલેક્ટરને આવેદન આપવાનો કાર્યક્રમ આપેલ છે. જેના અનુસંધાને તા.૧૫-૧૦ને મંગળવારના રોજ સવારે 11 કલાકે કલેક્ટરને આવેદન પાઠવવાનું શહેર જિ.કોંગ્રેસ સમિતિ દ્વારા જાહેર કરાયું હતું.