મહુવાના બીલા ગામ પાસે મોટરસાઇકલ અડફેટે બાઇક ચાલકનું મોત
૧૦૮માં હોસ્પિટલ પહોંચે તે પૂર્વે યુવાનનું પ્રાણપંખેરૂ ઉડી ગયું
ડબલ સવારીમાં ચડી આવેલ દુધેરીના આધેડ પણ ઇજાગ્રસ્ત, હોસ્પિટલ બીછાને, ફરિયાદ દાખલ
ભાવનગર: મહુવાના બીલા ગામ નજીક કરલા જવાના રસ્તે ગઇકાલે મોટરસાઇકલ સવારે પુરપાટ ઝડપે બાઇક ચાલક યુવાન સાથે ભટકાડતા માથાના ભાગે ગંભીર ઇજા થતા હોસ્પિટલે સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. બનાવ અંગે મો.સા.ના ઇજાગ્રસ્ત ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરાયો હતો.
મળતી વિગતો મુજબ ગઇકાલે સાંજના અરસામાં મહુવા તાલુકાના બીલા ગામ કરલા જવાના રસ્તે બાલાભાઇની વાડી પાસેથી રાહુલ પોતાનું સીડી હોન્ડા મો.સા. નં.જીજે-૦૨-સીબી-૦૨૮૯નું લઇ કરલાના કેડે આવેલ વાડીએથી બીલા ગામમાં ઘરે આવતો હતો દરમિયાન બાલાભાઇ કાતરીયાની વાડીના શેઢે રોડ ઉપર બીલા બાજુથી ડબલ સવારીમાં હિરો હોન્ડા સ્પ્લેન્ડર મો.સા. નં.જીજે-૪-ડી.પી-૯૩૮૩નું રામજીભાઇ માવજીભાઇ ભાલીયા (રે.દુધેરીવાળા)એ પુરપાટ ઝડપે ચલાવી રાહુલના મો.સા. સાથે ભટકાડી માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી. ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા મહુવા હોસ્પિટલ પહોંચેલ જ્યાં સારવારમાં ડોક્ટરે તેને મરણ જાહેર કર્યો હતો. જે અંગે ઓઘડભાઇ રાજાભાઇ ગમારાએ રામજીભાઇ માવજીભાઇ ભાલીયા વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો.