ભાવનગરના કિન્નરનો અનોખો સેવાયજ્ઞઃ દાપું માગી નિરાધારા ગાયો માટે ગૌશાળા શરૂ કરી
- હાઈ-વે પર વાહનચાલકો પાસે પૈસા માંગી 50 જેટલી નિરાધાર ગાયોની કરે છે સેવા
ભાવનગર, તા. 16 ડિસેમ્બર 2019, સોમવાર
ભાવનગરના કિન્નર અનોખી ગૌસેવા કરી રહ્યાં છે. તેઓ ભાવનગર-અમદાવાદ હાઈવે પર આવેલા નારી ગામ નજીક વાહનચાલકો પાસે દાપું (પૈસા) માંગી થતી આવક નિરાધાર ગાયો માટે વાપરે છે. નયનાકુવર નામના આ કિન્નરે બિમાર ગાયોની સ્થિતી જોઈને આ પ્રકારનો સેવા યજ્ઞ કરવાનો વિચાર સ્ફુર્યો. તેઓ હાઈ-વે પર વાહનચાલકો પાસેથી 5-10 રૂપિયા ઉઘરાવે છે અને તેમાંથી થતી આવક બિમાર અને નિરાધાર ગાયો માટે વાપરે છે.
બોટાદના જમરાળાના વતની નયનાકુવર પહેલીવાર ભાવનગરમાં હીરા ઘસવા આવ્યા હતા અને 20 વર્ષ પહેલા કિન્નરમાં ભર્તી થયા હતા. શરૂઆતમાં તેમણે બોરતળાવ પાસે મફતનગરમાં આ ભગત ગૌશાળા શરૂ કરી જેમાં 20-25 જેટલી નિરાધાર ગાયો હતી. જે બાદ સીદસર રોડ પર આ ગૌશાળાનું સ્થળાંતર કર્યું. આજે આ ગૌશાળામાં 50 જેટલી નિરાધાર ગાયો છે.

શરૂઆતના સમયમાં આ ગાયોના ખર્ચાની વ્યવસ્થા કરવામાં ઘણી મુશ્કેલીઓ પડતી, અન્ય વધારાના ખર્ચાઓ કાપ મુકલો પડતો પરંતુ સમય જતા બધી વ્યવસ્થા થઈ જતી હતી અને આજે લોકોનો પણ ઘણો સપોર્ટ મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે, અમે કિન્નર છીએ અમારું કોઈ નથી તેમ આ નિરાધાર ગાયોનું પણ કોઈ નથી. તેથી આ નિરાધાર અને બિમાર ગાયોની સેવા કરું છું.