ભાવનગર જિલ્લા પંચાયત અને 10 તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની નિમણુંક કરાઈ
- પ્રમુખ-ઉપપ્રમુખની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા ચૂંટણી યોજાઈ
- જિલ્લા પંચાયત અને 10 તાલુકા પંચાયતમાં ભાજપના સભ્ય પ્રમુખ-ઉપપ્રમુખ બન્યા, વિપક્ષને નિરાશા હાથ લાગી
અઢી વર્ષ પૂર્વે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાય હતી, ત્યારબાદ પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી કરવામાં આવી હતી, જેમાં ભાવનગર જિલ્લા પંચાયત અને ૯ તાલુકા પંચાયતમાં ભાજપનુ શાસન હતુ તેથી ભાજપના સભ્યો પ્રમુખ-ઉપપ્રમુખ હતાં. ગારિયાધાર તાલુકા પંચાયત કોંગ્રેસ પાસે હતી. ભાવનગર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખોની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા આજે ૧૩ સપ્ટેમ્બરને બુધવારે પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. જિલ્લા પંચાયતમાં પ્રમુખની ચૂંટણી માટે ભાજપના સભ્ય રૈયાબેન મુળજીભાઈ મિયાણી અને વિપક્ષના સભ્ય લાલુબેન નરશીભાઈ ચૌહાણએ ઉમેદવારી નોંધાવી હતી, જયારે ઉપપ્રમુખની ચૂંટણી માટે ભાજપના વિક્રમ નાનજીભાઈ ડાભી અને કોંગ્રેસના બળદેવ માવજીભાઈ સોલંકીએ ઉમેદવારી કરી હતી. જિલ્લા પંચાયતમાં ભાજપ પાસે બહુમતી છે તેથી તેના સભ્ય વિજેતા થયા હતાં. કોંગ્રેસના માત્ર ૮ સભ્ય જ છે, જેમાં બે સભ્ય કોઈ કારણસર ગેરહાજર રહ્યા હતાં.
જિલ્લાની ૧૦ તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી લડવા માટે ગઈકાલે મંગળવારે ર૮ ઉમેદવારે ફોર્મ ભર્યા હતા, જેમાં મહુવા, ભાવનગર, ઉમરાળા, ઘોઘા, જેસર, વલ્લભીપુર વગેરે ૬ તાલુકા પંચાયતમાં વિપક્ષના સભ્યોએ ફોર્મ ભર્યા ના હતા તેથી ભાજપના સભ્ય બિનહરીફ પ્રમુખ-ઉપપ્રમુખ થયા હતાં. સિહોર, પાલિતાણા, તળાજા અને ગારિયાધાર વગેરે ૪ તાલુકા પંચાયતમાં ચૂંટણી થઈ હતી, જેમાં પણ ભાજપે બાજી મારી હતી. આ ચારેય ચૂંટણીમાં ભાજપના સભ્યોનો વિજય થયો હતો અને ભાજપના સભ્ય પ્રમુખ-ઉપપ્રમુખ બન્યા હતાં. ગારિયાધાર તાલુકા પંચાયત ભાજપે આંચકી લીધી છે, જયારે સિહોર તાલુકા પંચાયત કોંગ્રેસ આંચકે તે પૂર્વે ભાજપે ખેલ પાડી આ તાલુકા પંચાયત જાળવી રાખી હતી.
જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં નવા પ્રમુખ-ઉપપ્રમુખોને આવકારવા માટે બહોળી સંખ્યામાં ભાજપ કાર્યકરો, સમર્થકો ઉમટી પડયા હતાં. હારતોરા કરી પ્રમુખ-ઉપપ્રમુખને બિરદાવવામાં આવ્યા હતાં. ભાજપના કાર્યકરો ઉત્સાહમાં જોવા મળ્યા હતા, જયારે કોંગ્રેસ, આપ પાર્ટીના કાર્યકરોમાં નિરાશા ફરી વળી હતી.
ગારિયાધાર તાલુકા પંચાયત કોંગ્રેસ પાસેથી ભાજપે આંચકી
ભાવનગર જિલ્લાની ગારિયાધાર તાલુકા પંચાયતમાં આજે બુધવારે પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. ગારિયાધાર તાલુકા પંચાયતમાં કોંગ્રેસનુ શાસન હતુ પરંતુ પ્રમુખ-ઉપપ્રમુખની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા ચૂંટણી યોજાઈ હતી. કોંગ્રેસ પાસે ૧૦ અને ભાજપ પાસે ૬ સભ્ય હતાં. પ્રમુખની ચૂંટણી માટે કોંગ્રેસના સભ્ય વિમળાબેન કનુભાઈ લુખી અને ભાજપના વર્ષાબેન રમેશભાઈ ગોયાણી વચ્ચે જંગ હતો. ઉપપ્રમુખની ચૂંટણી માટે ભાજપના સભ્ય રાકેશભાઈ મનસુખભાઈ કેવડીયા અને કોંગ્રેસના લક્ષ્મણભાઈ પુંજાભાઈ ગરણીયા વચ્ચે જંગ હતો. કોંગ્રેસના ચાર સભ્યો ભાજપમાં ભળી ગયા હતા અને ભાજપને ટેકો આપતા ભાજપના પ્રમુખ-ઉપપ્રમુખ ચૂંટાયા હતાં. કોંગ્રેસના તેના સભ્યોને સાચવી શકયુ ના હતુ અને કોંગ્રેસની અંદરો-અંદરની ખેંચતાણના કારણે ગારિયાધાર તાલુકા પંચાયત ગુમાવવાનો વારો આવ્યો છે. જીત મળતા ભાજપ કાર્યકરોમાં આનંદની લાગણી ફરી વળી હતી.
સિહોર તાલુકા પંચાયત ભાજપે તંત્રના જોરે બચાવ્યાનો આક્ષેપ
સિહોર તાલુકા પંચાયતમાં ભાજપનુ શાસન હતુ પરંતુ પ્રમુખ-ઉપપ્રમુખની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા આજે બુધવારે ચૂંટણી યોજાઈ હતી. પ્રમુખ પદ માટે ભાજપના સભ્ય મંજુલાબેન પ્રેમજીભાઈ રાઠોડ અને અને કોંગ્રેસના ક્રિષ્નાબા ભોજરાજસિંહ ગોહિલે દાવેદારી કરી હતી. ઉપપ્રમુખના પદ માટે ભાજપના ગીતાબેન લક્ષ્મણભાઈ પરમાર અને કોંગ્રેસના સુખાભાઈ વરજાંગભાઈ કળોતરાએ ઉમેદવારી નોંધાવી હતી. ભાજપના આશરે ૪ સભ્ય નારાજ હતા તેથી તેઓ સંપર્ક વિહોણા થઈ ગયા હતા તેથી ભાજપની ચિંતા વધી હતી. ભાજપના ચાર નારાજ સભ્ય કોંગ્રેસના સંપર્કમાં હતા તેથી કોંગ્રેસના સભ્ય જીતી જાય તેમ હતાં.
આ તાલુકા પંચાયત કબજે કરવા કોંગ્રેસે પણ જોર લગાવ્યુ હતુ પરંતુ ભાજપના એક સભ્યના પત્નીએ પતિનુ અપહરણ થયાની ફરિયાદ નોંધાવતા પોલીસે ભાજપના ત્રણ નારાજ સભ્યને પકડી લીધા હતાં. આ સભ્યો મતદાન કરી શકયા ના હતાં. બીજેપી પાસે ૧૩ અને કોંગ્રેસ પાસે ૮ સભ્ય હતા પરંતુ ભાજપના ૪ સભ્ય નારાજ થતા નવા જુની થવાની શકયતા હતી. ભાજપના એક સભ્ય તાજેતરમાં સસ્પેન્ડ થયા છે. આજે ચૂંટણીમાં કોંગ્રેસના એક અને ભાજપના બે સભ્ય ગેરહાજર હતાં. ભાજપના એક નારાજ સભ્યએ કોંગ્રેસના ઉમેદવારને મત આપ્યા હતાં. કોંગ્રેસના ઉમેદવારોને ૮ અને ભાજપના ઉમેદવારોને ૧૦ મત મળ્યા હતા તેથી ભાજપનો બે મતે વિજય થયો હતો. પોલીસે પકડયા તે સભ્ય મતદાન કરી શકે તે માટે કોંગ્રેસ અગ્રણીઓએ મહેનત કરી હતી પરંતુ પોલીસ કાર્યવાહીના પગલે તેઓ મતદાન કરી શકયા ના હતા અને ભાજપનો વિજય થયો હતો. નારાજ સભ્યો મતદાન કરી શકયા હોત તો કોંગ્રેસનો વિજય થાય તેમ હતો પરંતુ ભાજપે સત્તા જાળવવા પુરી તાકાત વાપરી હતી. સિહોર તાલુકા પંચાયત ભાજપે તંત્રના જોરે બચાવી છે તેથી કોંગ્રેસ દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે તેમ ભાવનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજભા ગોહિલે જણાવ્યુ હતું. કોંગ્રેસ પ્રમુખે ભાજપ અને તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા હતાં.