Get The App

ભાવનગર: શહેરના ગામતળાવમાં દબાણ હટાવવા ગયેલી ટૂકડી સાથે વેપારીઓની ચકમક

Updated: Sep 6th, 2019

GS TEAM

Google News
Google News
ભાવનગર: શહેરના ગામતળાવમાં દબાણ હટાવવા ગયેલી ટૂકડી સાથે વેપારીઓની ચકમક 1 - image

ભાવનગર, તા. 06 સપ્ટેમ્બર 2019, શુક્રવાર

શહેરના ગામતળાવ વિસ્તારમાં મ્યુનિ. તંત્રએ દબાણ હટાવ ઝુંબેશને બીજા દિવસે પણ શરૂ રાખતા વેપારીઓએ દબાણ હટાવ ટૂકડી સાથે ઘર્ષણ કર્યું હતું. મામલો એટલી હદે પહોંચી ગયો હતો કે, મેયર અને ચેરમેનને પણ સ્થળે દોડી જવું પડયું હતું. જો કે, એસ્ટેટ વિભાગો પોતાની કામગીરી શરૂ રાખી ૯ જેટલી લારી અને રોડને અડચણરૂપ સામાનને હટાવી જપ્તી કાર્યવાહી કરવામાં આવી હતી.

મહાપાલિકાના એસ્ટેટ વિભાગની દબાણ હટાવ ટૂકડી આજે શુક્રવારે સવારે શહેરના ગામતળાવમાં આવેલ ઝુલેલાલ માર્કેટ અને મ્યુનિ. શોપીંગ સેન્ટર આસપાસ રોડ પર દબાણ કરી ઉભી રહેલી લારીઓનું દબાણ હટાવવા પહોંચી હતી. આ કામગીરી સમયે મ્યુનિ.ની ટીમને વેપારીઓના રોષનો ભોગ બનવો પડયો હતો. દબાણ હટાવવા સામે વેપારીઓની એસ્ટેટ વિભાગની ટીમ સાથે શાબ્દીક ચકમર જરી હતી અને વેપારીઓએ મનપાની કામગીરી સામે પદાધિકારીઓને ફરિયાદ કરી હતી.

જેના પગલે મેયર અને સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન તાત્કાલિક દોડી ગયા હતા અને મામલો શાંત પાડવા સમાધાનની ભૂમિકા ભજવવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે, મેયર અને ચેરમેન દોડી ગયા હોવા છતાં એસ્ટેટ વિભાગે દબાણ હટાવ કામગીરી શરૂ રાખી ૮ થી ૯ લારી જપ્ત કરી હતી. જ્યારે વેપારીઓ દ્વારા ખડકવામાં આવેલા રોડ રોકતા સામાનને પણ હટાવવામાં આવ્યો હતો. આ કામગીરી આગામી દિવસોમાં શહેરના જુદા-જુદા વિસ્તારોમાં શરૂ રાખવામાં આવશે તેમ એસ્ટેટ ઓફિસરે જણાવ્યું હતું.