ભાવનગર: રાજ્યકક્ષાની બાસ્કેટબોલ સ્પર્ધામાં ભાવનગરની ટીમનો ભવ્ય વિજય
ભાવનગર, તા. 31 ઓક્ટોબર 2019, ગુરૂવાર
રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા રમત ગમત અધિકારી કચેરી, ભાવનગર શહેર સંચાલિત ખેલ મહાકુંભ 2019 અંતર્ગત રાજ્યકક્ષાની અંડર-17 ભાઇઓની બાસ્કેટબોલ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં ગુજરાતના ચાર ઝોનમાં પ્રથમ અને દ્રિતીય ક્રમ મેળવનાર ટીમોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધાની ફાઈનલમાં આજે ગુરૂવારે ભાવનગરની ટીમે શાનદાર દેખાવ કરી વિજય મેળવ્યો હતો.
ભાવનગર શહેરના સિદસર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે તા. 30 અને 31 ઓકટોબર દરમિયાન અન્ડર-17 ખેલ મહાકુંભની રાજ્યકક્ષાની ભાઈઓની બાસ્કેટબોલ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યુ હતું. જિલ્લાકક્ષાએ વિજેતા થનાર બે ટીમે ચાર ઝોન કક્ષાએ ભાગ લીધો હતો અને ચાર ઝોનમાં પ્રથમ તેમજ દ્રિતીય ક્રમ મેળવનાર ટીમ રાજ્યકક્ષાએ ભાગ લેવા આવી હતી.
રાજ્યકક્ષાની બાસ્કેટબોલ સ્પર્ધામાં ભાઈઓની 8 ટીમે ભાગ લીધો હતો. આ સ્પર્ધા જીતવા ખેલાડીઓએ એડીચોટીનુ જોર લગાવ્યુ હતુ તેથી સ્પર્ધા રસાકસીવાળી બની રહી હતી. બાસ્કેટબોલ સ્પર્ધાની ફાઈનલ ભાવનગરની ચેમ્પિયન વિભાગ અને વડોદરાની ટીમ વચ્ચે રમાઈ હતી. ફાઈનલ જીતવા બંને ટીમના ખેલાડીઓએ ખુબ જ મહેનત કરી હતી તેથી ફાઈનલ જંગ રોમાંચક બની રહ્યો હતો. આ મેચના અંતે ભાવનગરની ટીમનો ભવ્ય વિજય થયો હતો તેથી ખેલાડીઓ ગેલમાં આવી ગયા હતા, જયારે વડોદરાની ટીમના ખેલાડીઓમાં નિરાશા ફરી વળી હતી.
વિજેતા અને રનર્સઅપ ટીમને મેડલ આપી સન્માનીત કરવામાં આવી હતી. આ સ્પર્ધાને સફળ બનાવવા માટે ભાવનગરના રમત-ગમત વિભાગ સહિતના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. ભાવનગરના આંગણે રાજ્યકક્ષાની બાસ્કેટબોલ સ્પર્ધાને ખેલાડીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.