ભાવનગર એસ.ટી. ડેપોમાં લોકોનો બસ રોકી હલ્લાબોલ
- પાલિતાણા બસનો સમય મોડો થતાં અને સાંજની બીજી બસ શરૂ કરવા મામલે
- ગ્રામ્ય વિસ્તારના મુસાફરોને પડતી હાલાકી મામલે બે વખત રજૂઆત છતાં એસ.ટી. તંત્રની બસ શરૂ કરવામાં આડોડાઈ, રોષ
ભાવનગરથી ગારિયાધાર વાયા પાલિતાણા રૂટની બસ મોડી કરાતા તેમજ ટ્રાફિક સામે એક બસ ઓછી દોડાવાતા લોકોમાં રોષ ફેલાયો હતો. છેલ્લા ઘણાં સમયથી બસનો પ્રશ્ન હોય, મુસાફરોએ બસ રોકી હલ્લાબોલ કર્યો હતો.
ભાવનગર એસ.ટી. ડેપોમાંથી ગારિયાધાર-પાલિતાણાની બસનો સમય મોડો છે. તેમાં પણ કાયમી ધોરણે બસ મોડી ઉપાડવામાં આવતા ગ્રામ્ય વિસ્તારમાંથી કામ-ધંધા અર્થે આવતા લોકોને ઘરે પહોંચવામાં મોડું થઈ રહ્યું છે. આ ઉપરાંત ગારિયાધાર, પાલિતાણા રૂટ પર ચિક્કાર ટ્રાફિક હોવા છતાં સાંજે એક જ બસ દોડવામાં આવતી હોવાના કારણે બસમાં મુસાફરોને નાછુટકે ખિચોખીચ બેસીને જવું પડી રહ્યું છે. સાંજની એક બસ વધારવા અને સમયસર બસ ચલાવવા માટે અગાઉ બે વખત લેખિત રજૂઆત કરવામાં આવી હોવા છતાં એસ.ટી. તંત્ર આડોડાઈ કરી રહ્યું હોય, મુસાફર વર્ગમાં ભારે રોષ ફેલાયો છે. દરમિયાનમાં આજે ગુરૂવારે સાંજે ભાવનગર-ગારિયાધાર-પાલિતાણા બસ મોડી ઉપડતા મુસાફરોએ ભાવનગર એસ.ટી. ડેપોમાં જ બસને રોકી હલ્લાબોલ કર્યો હતો. એસ.ટી. તંત્ર દ્વારા આ રૂટ પર બીજી બસ શરૂ કરવામાં આવે તેમજ શિડયૂલ મુજબ બસ ચલાવાઈ તેવી મુસાફરોએ આક્રોશભેર માંગણી કરી હતી.