ભાવનગર રેલવેને દિવાળી વેકેશન ફળ્યું, રૂા.16.79 કરોડની આવક
ભાવનગર, તા. 11 નવેમ્બર 2019, સોમવાર
ભાવનગર રેલવેને દિવાળી વેકેશન ફળ્યું હોય તેમ પાછલા ૪૧ દિવસમાં રેલવેને મુસાફરો થકી પોણા સત્તર કરોડથી વધુની આવક થઈ છે. દિવાળીના તહેવારમાં માદરે વતન જતા લોકો તેમજ દેશના વિવિધ પર્યટન સ્થળોએ જતાં મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થતાં રેલવેને આવકમાં વધારો થયો છે.
ભાવનગર રેલવે ડિવિઝનમાં દિવાળી વેકેશન દરમિયાન મોટાભાગની ટ્રેનો હાઉસફુલ દોડી હતી. દિવાળીમાં યાત્રિકોના ધસારાને ધ્યાને રાખી રેલવે દ્વારા બાન્દ્રા તેમજ અન્ય રૂટ પર એકસ્ટ્રા ટ્રેન પણ દોડાવામાં આવી હતી. જ્યારે કેટલીક ટ્રેનોમાં એકસ્ટ્રા કોચ જોડવામાં આવ્યા હતા.
તો ખાસ ધાર્મિક યાત્રા પ્રવાસના આયોજનો થયા હોય તેના માટે પણ રેલવેએ વિશેષ ટ્રેન દોડાવી હતી. દિવાળી વેકેશનમાં ધાર્મિક ઉપરાંત હરવા ફરવાના સ્થળોએ જવાના પ્લાનીંગ ગોઠવી અગાઉથી જ ટ્રેન ટિકિટ બુક કરી દેવામાં આવી હોવાથી આ દિવસો દરમિયાન રેલવેને આવકમાં દોઢથી બે ગણો વધારો જોવા મળે છે.
આ વર્ષે દિવાળીના ઓક્ટોબર મહિનામાં રૂા. 11.59 કરોડની આવક થઈ હતી. જ્યારે નવેમ્બર માસના પ્રથમ 10 દિવસમાં આવકનો આંકડો રૂા. 5.20 કરોડને આંબ્યો છે. આમ ભાવનગર રેલવેને મુસાફરો થકી છેલ્લા 41 દિવસમાં કુલ 16.79 કરોડની આવક થઈ હોવાનું સત્તાવાર સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.